ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પોલીસ પ્રશાસનમાં લોકોની જે સેવા થઈ શકે એવી સેવા અન્ય વિભાગોની નોકરી દરમિયાન ન થઈ શકે. પોલીસની ફરજ દરમિયાન સાચા અર્થમાં જનસેવા થઈ શકે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તપસ્યા, પરિશ્રમ અને બુદ્ધિપ્રતિભાથી આઈ.પી.એસ. બન્યા પછી પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે જનસેવા કરવાની તમને સુવર્ણ તક મળી છે ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુખના દિવસો દેખાડી શકો એવી રીતે ફરજ બજાવજો. વર્ષ 2022 અને 2023 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયેલા 76 આર.આર. બેચના ગુજરાત કેડરમાં આવેલા નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ સરદાર વલ્લભભાઈ નેશનલ પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં તાલીમ લીધા પછી ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈમાં સ્ટેટ લૉ અને અન્ય તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ દરમિયાન પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવા અધિકારીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવવાનો અવસર મળ્યો છે એ અત્યંત સારી બાબત છે. આગામી પાંચ વર્ષમાં ‘વિકસિત ગુજરાત’ બનવાની ક્ષમતા અને સમર્થતા ધરાવતું ગુજરાત ‘શાંત’ રાજ્ય છે. અહીંના લોકો શાંતિ, પ્રગતિ અને વિકાસના માર્ગે છે ત્યારે ધૈર્ય અને ચિંતનપૂર્વક કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારે ફરજ બજાવવા તેમણે પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જરૂરિયાતમંદ દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવાની તેમણે શીખ આપી હતી. આ પ્રકારે ફરજ બજાવવાથી આત્મા અને મનની પ્રસન્નતા જળવાઈ રહેશે અને તે જ જીવનની સાચી મૂડી છે એમ તેમણે કહ્યું હતું.