ગાંધીનગર: ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહ ઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ

ગાંધીનગર- દેશની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહને હવે ગાંધીનગરના પ્રકૃતિ પ્રેમીઓ પણ માણી શકશે. જેને લઈને ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર તૈયાર કરવામા આવ્યું છે. આજે ગીર ફાઉન્ડેશનના ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે ‘સિંહઘર’ તથા ‘સોવેનિયર’ શોપનું વન પ્રધાન ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

વન્યપ્રાણીઓને લગતા સાહિત્યનું પણ યુવા પેઢીમાં આકર્ષણ હોય છે ત્યારે આવી વસ્તુઓના વેચાણ માટે સોવેનિયર શોપ તૈયાર કરાઇ છે જેને પણ  જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રધાન વસાવાએ કહ્યું કે, ગાંધીનગર તથા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો માટે આજે શુભ ઘડી છે. ગીરના સિંહો જોવા માટે છેક સાસણ નહીં જવું પડે ઈન્દ્રોડા પાર્ક ખાતે એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની આ જોડી નાગરિકોને જોવા મળશે. રાજ્યના પાટનગરમાં વધારાનું એક ઘરેણ ઉમેરાયુ છે.

ગીર ફાઉન્ડેશનના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહ (નામ-સૂત્રા, વય-૧૦ વર્ષ) અને સિંહણ (નામ-ગ્રીવા, વય-૮વર્ષ)ની એક જોડને ઈન્દ્રોડા પાર્ક ખાતેના સિંહઘરમાં રાખવામાં આવ્યાં છે.

આવનારા દિવસોમાં આ પ્રકૃતિ ઉદ્યાનમાં વાઘ, રીંછ, દીપડા અને વધુ સિંહો પણ લાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેનો પ્રકૃતિપ્રેમીઓ વધુને વધુ લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે સિંહોના જતન માટે રાજ્ય સરકારે રૂ.૩૫૦ કરોડનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં નવા પાંચ સફારી પાર્કનું નિર્માણ કરાશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ મળી ગઈ છે.

રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં વધારાનું એક ઘરેણું ઉમેરાયું છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળ ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં સસ્તન, સરીસૃપ અને વિહંગ કુળના અલગ લગ કુલ ૩૯ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવ્યાં છે.

હાલમાં પ્રકૃતિ ઉદ્યાનમાં અંદાજે પ્રતિવર્ષ ૬ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર છેલ્લા ઘણાં વર્ષોથી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વન્યપ્રાણીઓને લગતું સાહિત્ય જેવું કે, મેગેઝીનો, પુસ્તકો, સંશોધનપત્રો, નકશાઓ, વન્યપ્રાણીઓને લગતી ફીલ્મોની સી.ડી./ ડી.વી.ડી. વગેરે પ્રકાશીત કરવામાં આવી રહી છે. તેમજ સાસણ ગીર ખાતે વેચાતી આ ચીજો (સોવેનિયર) જેમાં માહિતી પુસ્તિકાઓ, ટી-શર્ટ, જેકેટ, કેપ, કીચેઇન કે જેમાં વન્યપ્રાણીઓનો લોગો પણ છાપેલ હોય તેવી વસ્તુઓનું યુવા પેઢીમાં ખાસ આકર્ષણ હોય છે. તેવી વસ્તુઓના વેચાણ માટે ઇન્દ્રોડા પાર્ક ખાતે સોવેનિયર શોપમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં સિંહોના લાંબાગાળાના સંવર્ધન-સંરક્ષણ માટે રૂ.૩૫૧ કરોડના વિવિધ કામોની લાંબાગાળાની યોજનાને મંજુરી આપવામાં આવી છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સિંહ દર્શન માટે સફારીપાર્ક બનાવવાનું પણ આયોજન છે. તેના ભાગરૂપે ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને પણ સિંહ દર્શનનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ ઉમદા આયોજન કરાયુ છે.