અમદાવાદઃ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 3280 નવા કેસ નોંધાયા છે. જોકે રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે.મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ભાઈના પરિવારના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. મુખ્ય પ્રધાનના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને મુખ્ય પ્રધાનનો ભત્રીજો અનિમેષ રૂપાણી રાજકોટમાં હોમ આઇસોલેટ થયા છે.
રાજકોટમાં કોરોનાએ વધુ એક વખત નવો ઉછાળો બતાવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 28,083 થયો છે. રાજકોટમાં ધુળેટીના દિવસથી કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે.
હજી આ કેસોની સંખ્યા હજી પણ વધે એવી શક્યતા છે.રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ-અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. કોર્પોરેશનના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કુલ 17,348 સક્રિય દર્દી છે, જે પૈકી 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકોની સ્થિતિ સ્થિર છે. 3,02,932 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે રાજ્યમાં 4598 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 17 લોકોનાં દુખદ નિધન થયા છે.