રાજકોટઃ ચૈત્રી નવરાત્રિના આરંભે તો ગિરનાર પર્વત પર જનારની સંખ્યા ઘણી મોટી હોય. કેટલાક લોકો તો ત્યાં વિવિધ જગ્યામાં, આશ્રમમાં અનુષ્ઠાન કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના પ્રકોપને લીધે આખો દેશ બંધ છે ત્યારે સિધ્ધો અને શુધ્ધોની આ ભૂમિ ગિરનાર ક્ષેત્ર પણ સાવ ખાલી છે. ગિરનાર પર્વત પર પથ્થરચટ્ટી સહિતના સ્થાને અનુષ્ઠાન થતા હોય છે એના બદલે એ બધું સૂમસામ છે.
ગિરનાર પર્વતની ટોચે અંબાજી મંદિર-શક્તિપીઠમાં સવાર અને સાંજ ફક્ત આરતી થશે એ સિવાય દર્શન શક્ય જ નથી કારણ કે કોઇને જવા દેવાતાં નથી. દામોદર કુંડ, મુચકુંદ ઋષિની ગુફા, ભવનાથ મંદિર, વસ્ત્રાપથેશ્વર સહિતના સ્થળો સાવ વેરાન ભાસી રહ્યાં છે. વિવિધ અખાડા, આશ્રમમાંથી પણ સાધુઓ બહાર નથી દેખાતા. ભગવાન આ ગિરનાર ક્ષેત્રમાં એકલા થઇ ગયા છે.
ગિરનાર દરવાજાથી આગળ સ્મશાન પાસેથી જ તંત્રે લોકોનો પ્રવેશ અટકાવી દીધો છે. જે લોકો કોરોનાના શંકાસ્પદ કેસ વાળા કે ક્વોરોન્ટાઇન હોય એમના માટે તળેટીથી આગળની એક જગ્યાએ વ્યવસ્થા કરાઇ છે. જરુર પડ્યે અન્ય આશ્રમોના રુમ રખવા માટે પણ તૈયારી તંત્રે કરી છે. સાધકો આ દિવસોમાં ગિરનાર પર્વત ઉપર પણ જતા હોય છે. આસપાસના ક્ષેત્રમાં પણ ઉપાસના કરતા રહે છે. આ વખતે સૌ કોઇ ગૃહસ્થાપન કરીને ઉપાસના કરી રહ્યા છે. ગિરનાર ક્ષેત્ર સૂનું પડ્યું છે.
(જ્વલંત છાયા-રાજકોટ)