કોરોનાના કેસોમાં ઘટાડોઃ વડોદરામાં નવા સ્ટ્રેનનો પ્રવેશ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 698 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ ત્રણ લોકોનાં મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4321 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2,47,926એ પહોંચી છે.  રાજ્યમાં હાલ 9047 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,34,558 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 60 દર્દી વેન્ટીલેટર પર છે અને 8986 લોકો સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં 898 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં રિકવરી રેટ 94.61 ટકા છે.

અમદાવાદમાં કોરોનાના 144 નવા કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 124 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 49, કચ્છમાં 23, વડોદરામાં 28,  દાહોદામા 26, સુરતમાં 22, નર્મદામાં 15, ગાંધીનગરમાં 13, ખેડામાં 13, ભરૂચમાં 12, મોરબીમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 11 કેસ નોંધાયા હતા.

આજે પાટણ અને પોરબંદરમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. વલસાડમાં, જામનગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 2, નવસારી, અરવલ્લી અને અમરેલીમાં 3-3 કેસ નોંધાયા હતા.

બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વાઇરસની અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ એન્ટ્રી થઈ છે. વડોદરામાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. બ્રિટનથી પરત ફરેલા 27 વર્ષના યુવકને કોરોનાનો નવો સ્ટ્રેન થયો હોવાનું સામે આવ્યું છે.