ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN) માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. સંસ્થાના સિવિલ એન્જિનિયરિંગના સહાયક પ્રોફેસર ડો મનીષકુમારને ભારતીય સેના માટે 3D પ્રિન્ટેડ ડિફેન્સ સ્ટ્રક્ચર્સના વિકાસમાં નેતૃત્વ અને માર્ગદર્શન આપવા બદલ પ્રશંસા-કાર્ડ (છાતી પર પહેરવાનો બેજ)થી સન્માનિત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ જય સિંહ નૈન- જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C)એ તેમને સેનામાં તેમના અનુકરણીય યોગદાન અને સેવાઓની માન્યતારૂપે આ પ્રશંસા-કાર્ડ આપ્યું છે.
આ કાર્ય IITGNમાં સિવિલ એન્જિનિયરિંગમાં પીએચડી સ્કોલર અને આઇઆઇટી ગાંધીનગર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર (IIEC)માં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ MiCoB પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક શશાંક શેખરની પીએચડી થિસીસનો એક ભાગ હતું. ભારતીય સેનાના કર્નલ નવલ જોશી અને IITGNના મિકેનિકલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા MiCoBની ટીમના સભ્યો રુષભ માથુર અને ડો. અંકિતા સિંહાએ પણ આ સંરક્ષણ માળખાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ સન્માન પ્રાપ્ત કરવા વિશે ડો. મનીષકુમારે કહ્યું હતું કે હું આ સન્માનથી ખૂબ જ ધન્યતા અનુભવું છું. IITGNમાં અમારા બધા માટે એ ખરેખર ખૂબ જ સંતોષકારક છે કે અમે ભારતીય સેનામાં કોઈક રીતે યોગદાન આપી શક્યા. 3D કોંક્રીટ પ્રિન્ટિંગ ટેક્નોલોજી ભવિષ્યલક્ષી વિવિધ ઉપયોગો માટે કામ કરવાની અપાર સંભાવના ધરાવે છે. આ સન્માન સાથે અમે નવીન ઉકેલો વિકસાવવા માટે વધુ સંકલ્પબદ્ધ અનુભવીએ છીએ, જે રાષ્ટ્રની સેવા કરી શકે.
આ નોંધપાત્ર સિદ્ધિ વિશે વાત કરતાં IITGNમાં સિવિલ એન્જિનિયરિંગમાં પીએચડી સ્કોલર અને MiCoB પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક શશાંક શેખરે જણાવ્યું હતું કે સેના માટે 3D પ્રિન્ટેડ ડિફેન્સ સ્ટ્રક્ચર્સનો વિકાસ MiCoB માટે એક મોટું પગલું હતું.