વર્લ્ડ સ્પેસ વીકમાં સાયન્ટિફિક સિદ્ધિઓને બિરદાવવા ઉજવણી

અમદાવાદઃ વર્લ્ડ સ્પેસ વીક સ્પેસ ક્ષેત્રની સૌથી મોટી ઈવેન્ટ છે, જે સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં હજારો લોકોના યોગદાનની યાદ અપાવે છે. વર્ષ 1999થી પ્રતિ વર્ષ ચોથીથી 10 ઓક્ટોબર દરમિયાન માનવીનું જીવન સરળ બનાવનાર સાયન્ટિફિક અને ટેક્નોલોજિકલ સિદ્ધિઓને બિરદાવવા વર્લ્ડ સ્પેસ વીક ઊજવવામાં આવે છે.

ગુજરાત સાયન્સ સિટી-ગુજકોસ્ટ અને SAC-ISRO દ્વારા 4થી 10 ઓક્ટોબર 2021 દરમ્યાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી અંતર્ગત  પ્રત્યક્ષ અને વર્ચ્યુયલ બંને  રીતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ માટે સાયન્સ સિટીમાં વિવિધ પ્રોગ્રામ અને આઉટરિચ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની વર્લ્ડ સ્પેસ વીક ઉજવણીની થીમ હતીઃ વુમન ઇન સ્પેસ – અવકાશમાં મહિલાઓ.

સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ સેન્ટર (SAC-ISRO)ના ડિરેક્ટર નીલેશ એમ. દેસાઈ દ્વારા આ પ્રોગ્રામનું ઉદઘાટન વર્ચ્યુયલ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્પેસ શોધ આપણને ભવિષ્યમાં જીવન વધુ સારું બનાવે તેવી ટેકનોલોજી વિકસાવવામાં માટે આકર્ષક અને આશાસ્પદ માર્ગ બતાવે છે. આ કાર્યક્રમના પ્રારંભમાં SAC-ISROના ડેપ્યુટી ડિરેક્ટર ટી.વી.એસ. રામે મહાનુભાવો અને પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું અને સ્પેસ વીક સેલિબ્રેશનના મહત્વ વિશે સંક્ષિપ્તમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજકોસ્ટના એડવાઇઝર ડો. નરોત્તમ સાહુએ જણાવ્યું હતું કે અવકાશ હંમેશાં સંસ્કૃતિઓના પ્રારંભથી જ માનવજાત માટે મહત્વનું રહ્યું છે. સ્પેસ વિષે જાણવાની ઉત્સુકતા લોકોને વિવિધ વિજ્ઞાન વિષે જાણવા માટે પ્રેરિત કરે છે.

હોલ ઓફ સ્પેસના સાયન્ટિફિક ક્યુરેટર રાજુ એન અમલાનીએ જણાવ્યું હતું કે આ વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણીમાં આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓએ હોલ ઓફ સ્પેસમાં માર્સની વર્ચ્યુયલ રાઇડ લીધી, જ્યારે 322 જેટલા વિદ્યાર્થીઓએ અને મુલાકાતીઓને સાયન્સ સિટીના IMAX 3ડી થિયેટરમાં ચંદ્ર પર ચાલવાનો મોકો મળ્યો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]