સુરત: “ટેલિવિઝન, થિયેટર અને મલ્ટિપ્લેક્સ માટે સેન્સરશિપ છે પરંતુ OTT માધ્યમ પર બનતી ફિલ્મો કે વેબસિરીઝ ઉપર કોઈનું નિયંત્રણ નથી.
આ માધ્યમ પર અશ્લીલ દ્રશ્યોને કારણે પરિવાર સાથે બેસીને ફિલ્મ કે શો જોઈ શકાય તેવી સ્થિતિ રહેતી નથી. આમા ભાષા પણ એટલી નિમ્નકોટીની હોય છે કે બાળકો અને પરિવારના સભ્યો સાથે તેને સાંભળવી પણ દુષ્કર હોય છે. આ પ્રકારના દ્રશ્યો અને સંવાદો ઉપર લગામ કસવાની જરૂર છે. અને હિંસાના દ્રશ્યોમાં પણ અતિરેક હોય છે આ બધી બાબતે નિયંત્રણ અતિઆવશ્યક બન્યુ છે. ” સુરતમાં ચાતુર્માસ ફરમાવી રહેલા પદ્મભૂષણ જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજીએ આ હૈયાવરાળ મીડિયા સમક્ષ ઠાલવી હતી.
જૈનાચાર્ય હવે અહીથી અટકવાના નથી. તેઓ આ બાબતે પિટિશન પણ દાખલ કરવાના છે. એમણે વધુમાં કહ્યુ કે OTT માધ્યમને લઈને કેટલાક પરિવારના લોકો મને મળવા આવ્યા હતા તેમણે કહ્યું હતું કે જે રીતે વેબ સિરીઝમાં ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી રહી છે તે ખૂબ જ નિમ્ન કોટીની હોય છે. આગળ પણ સેકસ એજ્યુકેશનને લઈને મેં લડાઈ લડી હતી. તેમાં મને સફળતા મળી હતી.
કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓ સાથે મારી આ વિષય પર મુલાકાત પણ થઇ છે. તેમજ વિરોધ પક્ષનાનેતાઓ સાથે પણ મુલાકાત કરી છે. આ બાબતે હું કાયદેસરની પિટિશન દાખલ કરવા જઈ રહ્યો છું. આના વિરોધ માટે સૌએ આગળ આવવું જોઈએ. કારણ કે ભારતની યુવાપેઢીને આ દુષણ બરબાદ કરી દેશે.
