ગુજરાતમાં ફરી કોંગ્રેસના સૂપડાં સાફ થશે? ટ્રેન્ડમાં ભાજપ ‘સ્પેશિયલ 26’

અમદાવાદ– લોકસભા ચૂંટણીના પરિણામનો આજનો દિવસ દેશની નવી સરકાર નક્કી કરવા જઇ રહ્યો છે. ત્યારે પરિણામો અંગે શરુઆતમાં બહાર આવી રહેલો ટ્રેન્ડ કોંગ્રેસને માથે ચિંતાની લકીર ખેંચનારો નીવડી રહ્યો છે. વલણોમાં રાષ્ટ્રીય કક્ષાએ જેમ બાજપ બહુમતીનો આંક પાર કરી ગયો છે ત્યાં ગુજરાતમાં 26 બેઠકો પર કોંગ્રેસ માટે ફરી સૂંપડાં સાફની સ્થિતિ સવારના 11 કલાકની ટેલી દર્શાવી રહી હતી.સવારમાં મતગણતરીનો પ્રારંભ અમદાવાદની એલડી કોલેજ અને ગુજરાત કોલેજ પર ચાલી રહી છે. ઇલેક્શન કમિશન દ્વારા ગોઠવાયેલી ચુસ્ત સુરક્ષા વચ્ચે સમયસર મતગણતરીનો પ્રારંભ થયો હતો. મતદાન મથકોની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થાના દ્રશ્યો તમામ મતગણતરી કેન્દ્રો પર જોવા મળ્યાં હતાં.મતગણતરી માટે ઈવીએમ મશીનોનો પટારો ખુલે તે પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. બાદમાં શરુ થયેલ ટ્રેન્ડઝમાં પહેલેથી જ ભાજપે આગળ ચાલવાનું શરુ કર્યું હતું. ગુજરાતમાં પ્રારંભિક વલણમાં કોંગ્રેસ 5 બેઠક પર આગળ ખુલી હતી જે 11 કલાક સુધીમાં શૂન્ટ પર આવી ગઈ હતી અને ભાજપ માટે ફરીથી 2014નું પુનરાવર્તન જોવા મળે તેવા ટ્રેન્ડ દર્શાવતાં આગળ ચાલી રહેલી બેઠકોમાં સ્પેશિયલ 26ની સ્થિતિ સર્જાઈ હતી.ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે તેઓ પણ લગભગ અઢીલાક મતથી આગળ નીકળી ગયાં હતાં.તો અન્ય મહત્ત્વની વાત કરીએ તો કોંગ્રેસના પરેશ ધાનાણી શરુઆતમાં આગળ ખુલ્યાં હતાં પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં તેઓ પણ પાંચ હજાર મતથી પાછળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસના અન્ય નેતાઓમાં ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ પણ પાછળ ચાલી રહ્યાં છે.સવારે 11 કલાકે આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મીતેશ પટેલના 1,88,148 મત, કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના 1,27,787 મત, ભાજપ 60361 મતથી આગળ ચાલી રહ્યો છે.તો અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા 14000 મતથી આગળ ચાલી રહ્યાં છે.

લોકસભાની સાથે જ ગુજરાતમાં 4 બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. ઊંઝા, માણાવદર, ધ્રાંગઘ્રા,અને જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે.ચૂંટણીપંચની આ ટેલીમાં જોઇ શકાય તેમ છે કે આ પરિણામ વલણમાં ત્રણ બેઠક પર ભાજપ આગળ છે જ્યારે એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. ભાજર માણાવદર, ધ્રાંગધ્રા અને ઊંઝા પર જ્યારે કોંગ્રેસ જામનગર રુરલ પર આગળ ચાલી રહી છે.

પ્રારંભિક વલણોનું આકલન કરીને કહી શકાય કે અમિત શાહ ફરી એકવાર ભાજપના ચાણક્ય પુરવાર થયાં છે અને પીએમ મોદીએ ચલાવેલાં વિકાસના મુદ્દાની સાથે રાષ્ટ્રપ્રેમ, પાકિસ્તાન એરસ્ટ્રાઈકનો સિક્કો ચાલી ગયો હોઇ શકે છે.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ