આ ચૂંટણીમાં તમે અનેક રીતે ઈતિહાસના સાક્ષી બની ગયાં…

નવી દિલ્હી- ગત 16 એપ્રિલ પહેલા તમિલનાડુના વેલ્લોર સંસદીય વિસ્તારમાં કદાચ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે, તેમના વિસ્તારમાં માહોલ એવો પણ બની શકે છે કે, મતદાનના માત્ર બે દિવસ પહેલાં જ સંસદીય ચૂંટણી રદ કરી દેવામાં આવશે. જો કોઈને આ પ્રકારનો વિચાર આવ્યો પણ હોય તો શક્ય છે કે, તેમનું કારણ ખુલ્લેઆમ મોટાપ્રમાણમાં થઈ રહેલા નોટોની વહેચણી ન હોય.

નાણાંની રેલમછેલ ભારતીય ચૂટણીમાં કોઈ નવી વાત નથી. એક રીતે જોઈએ તો આ ચૂંટણી પરંપરાનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. આ એક એવી રીત છે જે સમગ્ર દેશમાં પ્રચલિત છે. આનો વિરોધ ચૂંટણી પંચ સમયે સમયે કરતું રહ્યું છે, પરંતુ ગેરરીતિનો વિરોધ કરવો અને ગેરરીતિને રોકવા માટે કડક પગલા ભરવા બંને અલગ વાત છે.

16 એપ્રિલના રોજ જ્યારે ચૂંટણી પંચે વેલ્લોર સંસદીય વિસ્તારમાં ચૂંટણી રદ કરવાની જાહેરાત કરી તેની સાથે જ આ તારીખ અને આ સંસદીય વિસ્તાર ઈતિહાસના ચોપડે નોંધાઇ ગયો. મોટાપ્રમાણમાં મતદાતાઓને નાણાંની વહેચણી થવાનો ભાંડો ફૂટતાં કોઈ લોકસભા વિસ્તારની ચૂંટણી રદ થઈ હોય એવું ભારતમાં પ્રથમ વખત થયું. આ પહેલા પણ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યાં છે પરંતુ તે વિધાનસભા કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન લેવામાં આવ્યાં હતાં.

આવકવેરા વિભાગે વેલ્લોરમાં ડીએમકેના એક નેતાના ગોડાઉનમાંથી 10.48 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ જ કારણે ચૂંટણી પંચે વેલ્લોર મતદાન ક્ષેત્રમાં ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. 2019ની ચૂંટણી  ઘણી મહત્વની છે, તમે ગમે તે રીતે ઈતિહાસના સાક્ષી બની ગયા છો.

ઉદાહરણ તરીકે જોઈએ તો, વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું કે, 90 કરોડ લોકોને તેમની પસંદગીની સરકાર બનાવવાની શક્તિની અનુભૂતિ થઈ. આ કોઈ સામાન્ય વાત નથી. વિશ્વભરમાં આ અધિકાર પ્રાપ્ત કરવા લાખો કુર્બાનીઓ આપવામાં આવી છે.

20 મે સુધીમાં ભારતમાં 3456.33 કરોડ રૂપિયાની રોકડ, ડ્રગ્સ, દારુ, કિંમતી ઘાતુ (સોનુ, ચાંદી વગેરે) જપ્ત કરેલ છે. આ રકમનો મોટાભાગનો હિસ્સો ડ્રગ્સ/નશીલા પદાર્થો અને કિંમતી ધાતુનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, 2014માં સરકાર દ્વારા ચૂંટણીના આયોજન માટે જે રકમ ખર્ચ કરવામાં આવી તેના અંદાજે 90 ટકા જેટલી આ રકમ છે.

ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન 300 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત અધિકારીઓએ દેશના જૂદા જૂદા ભાગોમાંથી 1,61,84,508 લીટર દારુ અને 17,070 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યો હતો.

2014 લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરેલ રોકડ 2011માં શિરડી સાંઈ બાબા મંદિરમાં પ્રાપ્ત થયેલ રોકડ દાનના 75 ટકા બરાબર હતી.

જપ્ત કરેલી ડ્રગ્સનું વજન લગભગ ત્રણ મોટા એશિયાઈ નર હાથીઓ અને એક બાળ હાથીના વજન બરાબર હતું. (એક પુખ્ત અશિયાઈ નર હાથીનું વજન લગભગ 5000 કિલોગ્રામ હોય છે.) 2014માં લોકસભા ચૂંટણીમાં જપ્ત કરેલા દારુના જથ્થાની જો વાત કરીએ તો અંદાજે સાડા છ ઓલમ્પિક આકારના સ્વિમિંગ પુલો દારુથી ભરાઈ જાય.

આજે 5 વર્ષ પછી પરિસ્થિતિઓ વધુ ખરાબ થઈ ગઈ છે. રાજકીય દળોએ તેમના કૌશલ્યમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે, અને ચૂંટણી દરમિયાન મતદાતાઓને પ્રભાવિત કરવા માટે રોકડ, દારુ અને ડ્રગ્સ વગેરે વસ્તુઓને મતદારો સુધી કેવી રીતે પહોંચાડવું તેના માટે નવી નવી ટેકનિક શોધવામાં લીન છે.

ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર 20થી 26 મેની વચ્ચે ભારતમાં 841.11 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી. આ રકમ 2014માં જપ્ત થયેલી કુલ રોકડ (299.943 કરોડ રૂપિયા) થી 180 ટકા જેટલી વધુ છે.

દારુની વાત કરીએ તો, 2014માં અધિકારીઓએ 1,61,84,508 લીટર દારુ જપ્ત કર્યો હતો તેની સરખામણીએ 2019 લોકસભા ચૂંટણીનો અત્યાર સુધીનો આંકડો 1,86,00,000 લીટર છે.

દારુ પછી જો ડ્રગ્સની વાત કરીએ તો, આ વખતેની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 77,631.65 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત થયો છે. 2014ની સરખામણીએ આમા લગભગ 354.78 ટકાનો વધારો થયો છે.

ચૂંટણી પંચ અનુસાર 20 મે સુધીમાં દેશભરમાંથી 3456.22 કરોડ રૂપિયાના રોકડ નાણાં અને અન્ય સામાન (ડ્રગ્સ, દારુ, સોનુ, ચાંદી વગેરે) જપ્ત કરવામાં આવ્યો છે. એટલે કે ચૂંટણી દરમિયાન દરરોજ સરેરાશ લગભગ 60 કરોડ રૂપિયાનો માલ કે રોકડ જપ્ત થઈ.

70 ટકા યોગદાન ધરાવતા 5 રાજ્યો

ચૂંટણી પંચના દૈનિક જપ્તી રિપોર્ટના વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે, દેશભરમાં પ્રતિ દિવસ રોકડ,ડ્ર્ગ્સ, દારુ, સોનુ વગેરે જપ્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ 5 રાજ્યો એવા છે કે, જેનું આમાં 70 ટકાથી વધુ યોગદાન છે.

20 મે સુધીમાં માત્ર તમિલનાડુમાંથી 951.98 કરોડ રૂપિયા જપ્ત થઈ ચૂક્યા છે. આ જોતા કુલ જપ્ત કરેલી રકમમાંથી તમિલનાડુનું યોગદાન સર્વોપરિ છે. ત્યારબાદ ગુજરાત 552.78 કરોડ રૂપિયા, દિલ્હી 426.1 કરોડ રૂપિયા, પંજાબ 285.02 કરોડ રૂપિયા, અને આંધ્ર પ્રદેશનું 228.92 કરોડ રૂપિયાનું યોગદાન રહ્યું છે. જૂદા જૂદા રાજ્યોમાં રાજકીય પક્ષોએ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે અલગ અલગ રીતે વ્યવહારો કર્યા છે.

ગુજરાત, પંજાબ, અને દિલ્હી જેવા રાજ્યોમાં જપ્ત કરેલી રકમમાં સૌથી વધુ યોગદાન ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું રહ્યું છે. તમિલનાડુમાં રાજકીય પક્ષોએ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે સોના,ચાંદી અને અન્ય કિંમતી સામાનના વિતરણ પર વધુ ભરોસો કર્યો, જ્યારે આંધ્ર પ્રદેશમાં જપ્ત કરેલી રકમમાં રોકડનું યોગદાન સૌથી વધુ છે.

ડ્રગ્સમાં ઉડતું ગુજરાત, દિલ્હી અને પંજાબ

26 માર્ચથી 20 મે વચ્ચે ગુજરાતમાં 552.78 કરોડ રૂપિયાની રોકડ અને સામાન જપ્ત કરવામાં આવ્યું પરંતુ આ રકમમાં લગભગ 95 ટકા (524.34 કરોડ રૂપિયા) ડ્રગ્સ અને નશીલા પદાર્થોની જપ્તીમાંથી આવે છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં સૌથી વધુ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોની જપ્તી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા એટલે કે 10 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. તો બીજી તરફ દિલ્હી અને ગુજરાતની સરખામણીએ પંજાબમાં અત્યાર સુધીમાં 218.49 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો.

અત્યાર સુધીમાં અધિકારીઓએ મહારાષ્ટ્રમાં 15,613 કિલોગ્રામ ડ્રગ્સ/નશીલા પદાર્થો જપ્ત કર્યા છે, તો મધ્ય પ્રદેશમાં 20,578 કિલોગ્રામ અને ઉત્તર પ્રદેશમાં 24,969 કિલોગ્રામ ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તમિલનાડુમાં ચમકતી દરેક વસ્તુ સોનું

ગુજરાત, દિલ્હી અને પંજાબમાં મતદાતાઓને આકર્ષવાની રીત કરતા તમિલનાડુમાં કઈક અલગ જ ખેલ જોવા મળ્યો. આ ખેલ છે લોકોની નિયત ખરાબ કરીને તેમની લાલચ વધારવાનો. અહી રાજનેતાઓ સોના,ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પ્રત્યે લોકોના ભૌતિકવાદી પ્રેમને નિખારવામાં વિશ્વાસ કરે છે. તમિલનાડુમાં અધિકારીઓએ આ ચૂંટણી સિઝનમાં 7,09,67,00,000 રૂપિયાનું સોનુ, ચાંદી વગેરે જપ્ત કર્યું જે દેશમાં સૌથી વધુ છે. સોના-ચાંદીની જપ્તીમાં બીજો નંબર ઉત્તર પ્રદેશ (71.79 કરોડ રૂપિયા)નો છે.

અંતે એટલું જ કે, કલ્પનાઓનું શું છે… કલ્પના તો એ પણ કરવામાં આવી હતી કે, આ વખતે ચૂંટણી નિષ્પક્ષ અને પાર્દશિતાના માહોલ વચ્ચે યોજાશે. પરંતુ ઉપર દર્શાવેલા આંકડાઓ આ કલ્પનાઓની તસવીર રજૂ કરે છે.