રાજકોટ અગ્નિકાંડને આજે 21 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અગ્નિકાંડને લઈ SITની તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે રોજ રોજ તપાસમાં નવા પાસા ખુલતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગત રોજ SIT તપાસમાં જાણવા મળ્યું હતુ કે 25મી મેના દુર્ઘટના બાદ 26મી મેના ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા.
TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ ઉપરાંત SITના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. SITના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે.
વિરોધ ઉગ્ર બનતા રાજકોટ પોલીસ પણ દોડતી થઈ. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં NSUI પણ જોડાયું હતું. જેમાં સરકાર બસને રોકવામાં આવી હતી. જે બાદ રાજકોટ પોલીસ વિરોધને અટકાવ પહોંચી હતી. જ્યારે સ્થિતીને કાબુમાં રાખવા માટે પોલીસે બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધીનો રસ્તો બંધ રાખવાની પણ ફરજ પડી હતી.
આ તકે કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર વ્યક્તિના આત્માની શાંતિ તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 જૂને રાજકો5 બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે પક્ષા-પક્ષીઓ છોડીને માનવતાની ખાતર આ બંધમાં જોડાવા બે હાથ જોડી વિનંતી છે. ગુજરાતમાં આવા અનેક વિકટીમોને ન્યાય નથી મળતો, ત્યારે આ માનવતાની લડાઈમાં સૌ સાથ આપો તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.