ગુજરાત કોંગ્રેસ MLA લલિત કગથરાને પુત્રશોક, અકસ્માતમાં મોત

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત થયું હતું. વિશાલ કથગરા કોલકત્તા એરપોર્ટ જઈ રહ્યાં હતાં અને ત્યાંથી તેમને અમદાવાદની ફ્લાઈટ પકડવાની હતી. પરંતુ ફ્લાઈટ કેન્સલ થતાં તેઓ બસમાં જવા નીકળ્યાં હતાં. બહરામપુરની નજીક એક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થવાના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.માથાના ભાગે ઉંડો ઘા લાગવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર વિશાલ કગથરા પરિવાર સાથે ફરવા માટે બંગાળ ગયા હતા. શુક્રવારે તેઓ અમદાવાદ આવવાના હતાં પંરતુ ફ્લાઈટ રદ થવાથી તેઓ વોલ્વો બસમાં પાછા આવતાં હતાં. પશ્ચિમ બંગાળના બહેરામપુરામાં તેમની બસને ટક્કર વાગી. અકસ્માતના સમાચાર મળતા કોંગ્રેસના વિપક્ષના નેતા સહિત લલિત કગથરાના પરિજનો વિશાલના મૃતદેહને લાવવા રવાના થયાં હતાં.

લલિત કગથરા વર્તમાન સમયમાં ધારાસભ્યની સાથે જ કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર પણ છે. તેઓ રાજકોટના નિર્મલા રોડ પર સ્થિત પારસ સોસાયટીમાં રહે છે. તેમના વિશાલ અને રવિ નામના બે પુત્રો છે. ત્યારે વિશાલ મૃત્યુથી આખો પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે.