જ્ઞાતિજાતિથી પર શ્રી હરિવિષ્ણુ મંદિરની પૂજાસેવા, દલિત પૂજારીની અનોખી વાત…

અમદાવાદ-જ્ઞાતિ વૈમનસ્યની ઘટનાઓની ખબરો વચ્ચે એક સરસ દ્રષ્ટાંતરુપ સામંજસ્યની વાત પણ બહાર આવી છે. જ્યાં દાયકાઓથી એક દલિત પૂજારીના સ્વીકૃતિની વાત છે. દલિતો સામેના ભેદભાવના કિસ્સાઓ માધ્યમોમાં ચમકી રહ્યાં છે ત્યાં આ તદ્દન વિપરીત વાત જોવા મળી છે જેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આપને જણાવીએ કે અમદાવાદનાં લાલદરવાજા વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર ખૂબ જ જાણીતી જગ્યા છે.અને આહીં આવેલ શ્રીહરિ વિષ્ણુ મંદિરમાં વાલ્મિકી સમાજના દલિત યુવક અશોક વાઘેલા છેલ્લાં 35 વર્ષથી પૂજારી તરીકે નિત્યકર્મ બજાવી રહ્યાં છે.મહારાજ તરીકે ઓળખાતાં અશોક વાઘેલાએ આ સંદર્ભમાં એક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મંદિરમાં, શ્રી હરિ વિષ્ણુ મંદિરના મહંતોની સેવા તેમના દાદા કાળાભાઇ કરતાં હતાં. તેઓ પહેલા મંદિરની સફાઇ કામ પણ કરતાં હતાં. મહંતો બાદ અશોકભાઈના દાદા કાળાભાઇએ આ મંદિરમાં વર્ષો સુધી સેવાપૂજા કરી હતી. તે જ રીતે તેમના પિતા ભૂરાભાઇએ પણ પૂજનકાર્ય કર્યું હતું. અશોકભાઈ પોતે  10 વર્ષના હતાં ત્યારથી આ મંદિરમાં પૂજાસેવા કરે છે.તેમણે જણાવ્યું હતું કે, ‘મોટાભાગે મંદિરના પૂજારી બ્રાહ્મણ હોય છે. ઘણીવાર મંદિરમાં દર્શનાર્થે આવતાં લોકો મારી જાતિ પૂછે ત્યારે હું વાલ્મિકી સમાજનો હોવાનું કહું છું. ક્યારેક તો દર્શનાર્થીઓ પણ આ વાતને વધાવે છે. તેમનું કહેવું છે કે અમને પૂજારી કઈ જ્ઞાતિમાંથી આવે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. ક્યારેક મારે ઉદાહરણ આપવું પડે છે કે આપણાં મહાન ઋષિ પણ શુદ્ર હતાં. વાલ્મિકી ઋષિ ભગવાન રામના જાપ કરતાં કરતાં ઋષિપદ પામ્યાં હતાં. અમદાવાદ જેવા મહાનગરમાં દલિત અશોકભાઈ દાયકાઓથી પૂજનકાર્ય કરી રહ્યાં છે તેની જાણકારી ધરાવતાં લોકોએ પણ પ્રેમથી તેમને પૂજાસેવાની અને ભગવાનની શુદ્ધ ભક્તિની પ્રશંસા કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]