પોલીસ દ્વારા સામાજિક પ્રતીક ‘રથયાત્રા’ માટે સૌહાર્દ સંમેલન  

અમદાવાદઃ શહેરની રથયાત્રાના 450 વર્ષના ઈતિહાસમાં સુરક્ષા અને સૌહાર્દ સંબંધિત મહિલા સંમેલન પ્રથમ વખત આયોજિત થયું હતું. અમદાવાદની ઓળખ સમાન ‘રથયાત્રા’એ માટે પહેલી વખત આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ અને શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે પહેલી જુલાઈએ આયોજિત થનારી રથયાત્રા સામાજિક સૌહાર્દનું પ્રતીક બને એ માટે કારંજના પથ્થરકુવા વિસ્તારમાં સૌહાર્દ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરનાં બે મહિલા DCP ડો. લવિના સિંહા અને ડો. કાનન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિસ્તારની તમામ સમાજની મહિલાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ એ આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતાં ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે એક સ્ત્રી ઘરને સારી રીતે ચલાવી શકે તો દેશ અને વ્યવસ્થાને પણ સારી રીતે ચલાવી શકે,  રથયાત્રા શાંતિ-સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ રીતે સંપન્ન થાય તેમાં મહિલાઓની ભૂમિકા સૌથી અગત્યની છે.

ડો. લવિના સિન્હાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની મહિલાઓ મહેંદી કે કાપડ પરની સિલાઈનું કામ પણ ઝીણવટપૂર્વક કરે છે, તેટલી જ ચોક્કસાઈથી પોલીસ સાથે મળીને શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મહિલાઓએ આગેવાની લેવાની છે.

આ પ્રસંગે સેક્ટર-1ના જોઇન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ નારીશક્તિને સલામ કરતાં કહ્યું હતું કે આજે અમદાવાદ પોલીસ અમદાવાદ પોલીસ એકતા, ભાઈચારો અને પ્રેમનો સંદેશ લાવી છે. આવનારા તમામ તહેવારો સુખરૂપ ઊજવાય તેવી સૌકોઈ પાસેથી અપેક્ષા છે.

મહિલા આગેવાનો, NGO અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌકોઈએ ખુશી-ખુશી અમદાવાદ શહેર પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શી ટીમના અને વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.