અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. જોકે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા સૌપ્રથમ વાર તૂટી છે. અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ગુજરાત હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજીઓ પણ ફગાવી દીધી હતી. જેથી આજે ભગવાન નગરચર્યા પર નહીં નીકળે અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવશે. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવશે નહીં. આ ઉપરાંત તમામ ધાર્મિક વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાશે નહીં.
હાઇકોર્ટે રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી
હાઇકોર્ટ આ વિશે જણાવતાં કહ્યું હતું કે કોરોના મહામારીની પરિસ્થિતિમાં કોર્ટ લોકોના જીવની ચિંતા કરે છે. હવે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં, પરંતુ મંદિરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવશે. કોર્ટે માત્ર જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથને પ્રદક્ષિણા કરાવવાની મંજૂરી આપી હતી.
પુરીની અને અમદાવાદની રથયાત્રાની તુલના નહીં
હાઇકોર્ટે એ પણ નોંધ્યું હતું કે પુરી અને અમદાવાદ શહેર વચ્ચે કોઈ તુલના થઈ શકે નહીં કેમ કે પુરીમાં કોરોનાના કેસની સંખ્યા અમદાવાદના કેસોની સરખામણીએ ઓછી છે. આ ઉપરાંત પુરીની રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાને ફેરવીતોળ્યો એ માટે રથયાત્રાનું આયોજન કરવા અથવા નકારવા માટેના કોરોના જ એકમાત્ર કારણ તરીકે માનવામાં આવતું ન હતું. ખંડપીઠે કહ્યું હતું કે શા માટે સરકારનું વલણ બદલાયું? જો યાત્રા ન થાય તો ધાર્મિક શ્રદ્ધા તૂટી જાય એવું નથી. લોકોની ગેરહાજરીમાં યાત્રાનો અર્થ શો છે.
પુરીની જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો ફેરવ્યો
જોકે આ પહેલાં પુરીની જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાને ફેરવી તોળ્યો હતો અને પુરીની રથયાત્રા કાઢવા માટે શરતી મંજૂરી આપી હતી. પુરીની રથયાત્રાને મંજૂરી મળતાં ગુજરાત હાઇકોર્ટમાં પણ રથયાત્રાની મંજૂરી પર મૂકેલા સ્ટે ઓર્ડરને પડકારીને મંજૂરી માગવા માટે અરજીઓ કરવામાં આવી હતી, પણ મંગળવારે સવારે બે વાગ્યા સુધી સુનાવણી કરતાં હાઇકોર્ટે અમદાવાદની રથયાત્રા પર સ્ટેને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટ અગાઉના જ નિર્ણયને વળગી રહી રથયાત્રાને મંજૂરી નહોતી આપી.
અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા જોતાં રથયાત્રા કાઢવા માટે મનાઈ ફરમાવાઈ
સુપ્રીમ કોર્ટની શરતી મંજૂરીને પગલે ગુજરાત સરકારે સોમવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાના અગાઉના આદેશમાં ફેરફાર કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, પણ કોર્ટે એના જૂના આદેશને વળગી રહી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના એડવોકેટ જનરલને હાઇકોર્ટનો સંપર્ક કરીને રથયાત્રા કાઢવા માટેની મંજૂરી માટે હાઇકોર્ટને વિનંતી કરવા માટે કહ્યું હતું. જોકે હાઇકોર્ટે અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા જોતાં રથયાત્રા કાઢવા માટે મનાઈ ફરમાવી હતી.