અમદાવાદમાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન શરૂ

અમદાવાદઃ આગામી સાત દિવસ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે એટલે કે અતિઆવશ્યક એવા દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. જેથી વહેલી સવારથી જ અમદાવાદીઓએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરના મોટા ભાગના  રસ્તાઓ પર એકલદોકલ વ્યક્તિ જ નીકળી રહી છે, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાતાં મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 15 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશકુમારે અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે.  આ ઉપરાંત રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આ સંદર્ભે પોલીસે કડક હાથે અમલ કરાવવાનું શરૂ કર્યું છે.શહેરના કેટલાક વિસ્તારોમાં કરિયાણાની દુકાનો ખૂલી હતી, જેને પોલીસે બંધ કરાવી છે.

પેરૈ મિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તહેનાત

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવામાં આવી છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લાબંધી સાથે સંક્રમિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ બંધ

શહેરમાં 15 મે સુધી ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રાખવામાં આવશે આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે. ગઈ કાલે આવેલા આ આદેશને પગલે શહેરમાં શાકભાજી અને અનાજ લેવા માટે લાંબી લાંબી લાઇનો લાગી છે. લોકો ખરીદી કરવા રસ્તા પર ઉતરી આવ્યાં છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોનાં ટોળેટોળાં વળ્યાં હતાં.. અમદાવાદના નારણપુરા, જોધપુર, સરખેજ વગેરે વિસ્તારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે. શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લાઇનો લાગી છે. લોકો ખરીદી કરવા માટે આંધળી દોટ મૂકી રહ્યાં હતાં.

અન્ય વિસ્તારોમાં પણ અફાતફરી

ઘાટલોડિયા, સેટેલાઇટ, સરદાર નગર, સાયન્સ સિટી રોડ, બાપુનગર, નારણપુરા, વેજલપુર, જોધપુર ગામ, સરખેજ વગેરે જેવા વિસ્તારોમાં લોકોએ રીતસર કરિયાણું લેવા માટે દોટ કાઢી હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરનામાનો ભંગ કરી પડાપડી કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ વિસ્તારમાં ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા છે.