રાજ્યમાં માવઠા સાથે ઠંડીમાં વધારો થવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં વધારે ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટરે કહ્યું હતું કે માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી પણ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા તકેદારી રાખવી જરૂરી છે.

રાજયમાં પાટણ, બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેથી રાજયમાં કેટલાંક ઠેકાણે હળવાં ઝાપટાં પડ્યાં હતાં.

રાજ્યમાં આ સાથે આ કમોસમી વરસાને લીધે તાપમાન વધુ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટે એવી શક્યતા છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. રાજ્યમાં હાલ વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. હવામાનમાં વારંવાર આવેલા પલટાને કારણે લોકો રોગના ભોગ બની રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર બે દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ ગોધરા, પંચમહાલ, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે. આ સાથે 29 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.