ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં રેકોર્ડબ્રેક 5 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ચોમાસા અને ઉનાળાની જેમ જ શિયાળો પણ રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે. નલિયામાં સીઝનનું સૌથી ઓછું અને આ વર્ષનું રેકોર્ડબ્રેક કહી શકાય તેટલુ પાંચ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. જ્યારે રાજકોટ અને ડિસામાં 10 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન પહોંચી ગયું હતુ. અમદાવાદમાં બુધવારે 14 ડિગ્રી લઘુતમતાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. ગુજરાતમાં ઠંડી પડવાનું શરૂ થયુ છે, ત્યારે મોડે મોડે પણ ઠંડી તેનું જોર વધારી રહી છે અને ખાસ કરીને ગુજરાતના નલિયામાં ઠંડી ખૂબ જ વધી રહી છે.

નલિયામાં બુધવારે લઘુતમતાપમાન 5 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયુ હતું. આ સાથે જ ઠંડા પવનો સાથે કોલ્ડ વેવની અસર રહી હતી અને હજુ આજે પણ કોલ્ડવેવની રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો ડીસા અને રાજકોટમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમેરલીમાં 13 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, હિમ્મતનગરમાં 12.8 ડિગ્રી તથા સુરતમાં 16 ડિગ્રી લઘુતમતાપમાન નોંધાયુ હતું. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 26થી 29 ડિગ્રીની આસપાસ નોંધવામાં આવ્યુ હતું. જો કે અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમતાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. હવે શહેરીજનો દિવસે પણ ફુલગુલાબી ઠંડીનો અહેસાર કરી રહ્યા છે. દિવસ દરમિયાન ઠંડો પવન રહ્યો હતો અને હવે દિવસે પણ લોકો રસ્તા પર ગરમ કપડા પહેરીને નીકળતા જોવા મળી રહ્યા છે. આગામી કેટલાક દિવસો 15 ડિગ્રી આસપાસ લઘુતમતાપમાન રહેવાની શક્યતા છે.