અમદાવાદ: સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુંઠવાઇ ગયું છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન 3 ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.
છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રે તો ઠીક દિવસે પણ લોકો સ્વેટર અને શાલમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડીનું જોર ઘટી જશે. આગાહી પ્રમાણે સોમવારે બનાસકાંઠા, જામનગર, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
‘આગામી 3-4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો જોવા મળશે’, તેવું IMDએ આગાહીમાં જણાવ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.
4 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર હતું, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું હતું. પવનની દિશા બદલાતા અને ઉત્તરપૂર્વીય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી સેલ્સિઅસ અને 10.1 ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સરેરાશ કરતાં અનુક્રમે 4.8 ડિગ્રી અને 2.7 ડિગ્રી ઓછું હતું. શુક્રવારે દિવસ દરમ્યાન શહેરીજનોને ઠંડા પવનનો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતોએ કહ્યું કે, ગુરુવારથી લઘુત્તમ તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો વધારો થયો છે. શનિવારે એટલે કે આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.
