અમદાવાદઃ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે રાજ્યના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત રૂ. 200 કરોડ છે. આ જપ્ત કરવામાં આવેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. આ ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબની જેલમાં કેદ થયેલા નાઇજિરિયન શખસે મગાવ્યું હતું. આ નાઇજિરિયન પંજાબની જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. હાલ ગુજરાત પોલીસ, ATS અને કોસ્ટગાર્ડની ટીમ દરિયાકાંઠે ચાંપતી નજર રાખી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોસ્ટ ગાર્ડે અને ગુજરાત ATSએ સંયુક્ત રીતે પાર પાડેલા ઓપરેશનમાં ભારતીય જળ સીમામાં છ માઇલ એક પાકિસ્તાની બોટને રૂ. 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે જપ્ત કરી હતી. આ વર્ષે ગુજરાત ATSએ આશરે રૂ. 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હાલમાં જ ડ્રગ્સ નેટવર્ક મામલે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત પોલીસ માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ પકડે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે. તેમણે ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે ગુજરાત જ નહીં, અનેક રાજ્યોનાં ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ ગમે એવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું.
