સંતરામ મંદિરે મોરારિબાપુની માનસ સેવા ધર્મકથામાં CM રૂપાણી

નડિયાદ– નડિયાદમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ તથા પ.પૂ. લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધ શતાબ્દિ (150માં) મહોત્સવ નિમિત્તે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોરારિ બાપુએ સ્વાધ્યાય અને વાણી વિશે જણાવતાં સાચા વક્તાનાં લક્ષણો જણાવ્યાં હતાં.

મોરારિબાપુની માનસ સેવા ધર્મ કથામાં સહભાગી થવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અહી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યપ્રધાન અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંતરામ સૌરભની આઠમી આવૃતિનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, સંતો-મહંતોના આશીર્વાદ અને તપથી ગુજરાતની ભૂમિ પાવન અને પ્રતિષ્ઠિ‍ત છે. પ.પૂ.યોગીરાજ અવધૂત, પૂ.સંતરામ મહારાજે વર્ષોથી નાત-જાતના ભેદભાવ વગર જીવ માત્રની સેવા કરી જનસેવાનો યજ્ઞ આરંભ્યો છે, તેને કારણે સંતરામ મંદિર આજે સમગ્ર વિશ્વમાં આદર શ્રધ્ધાનું પ્રતિક છે.

મુખ્યપ્રધાને સંતરામ મંદિર ખાતે પૂ.રામદાસજી મહારાજ, પૂ.મોરારિ બાપુ, યોગ ગુરૂ રામદેવજી મહારાજના આશીર્વાદ મેળવી યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની સમાધિ ઉપર નતમસ્તક વંદન કરી ઉન્નત-પ્રગતિશીલ ગુજરાત માટે વાંછના કરી હતી.

મુખ્યપ્રધાને કહ્યું કે, સંતરામ મંદિરે જનસેવાની અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરી સમાજના છેવાડાના ગરીબ લોકોને ઉપયોગી બની જનસેવાનું અનેરૂં કાર્ય કર્યું છે. જેને રામદાસ મહારાજ આગળ વધારી રહ્યાં છે. સંતરામ મંદિર દ્વારા ચરોતરમાં જળ સંચયથી માંડીને અનેકવિધ માનવ સેવાના કામો થઇ રહ્યાં છે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત યોગ ગુરૂ બાબા રામદેવે જણાવ્યું કે, પૂ.મોરારિ બાપુ સત્ય–પ્રેમ અને કરૂણાના સાક્ષાત અવતાર રૂપ છે. મૂર્તિ સ્વરૂપ બાપુ માત્ર દેહધારી સંત નથી, પરંતુ સાક્ષાત યોગી છે. જ્ઞાન-ભક્તિ અને કર્મયોગ સહિત યોગના બધા સ્વરૂપ પૂ. મોરારિ બાપુમાં દેખાય છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]