ગાંધીનગરઃ દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરના સેક્ટર-આઠમાં કોરોના વાઇરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે સવારે સાડાદસ કલાકે ગાંધીનગરના સેક્ટર-આઠમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો. મુખ્ય પ્રધાને રૂપાણીએ કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત થઈ ગયા હતા, એ બાદ તેઓ કોરોનાની રસી લઈ શક્યા નહોતા, આથી તેમણે હવે રસીનો પહેલો ડોઝ લીધો હતો.
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈને મુખ્ય પ્રધાને રાજ્યની જનતાને પણ વધુમાં વધુ રસી લેવા માટેની અપીલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 1.06 કરોડ લોકોએ રસી લીધી છે, જેમાં 90 લાખથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 15 લાખથી વધુ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.
રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે ઘાતક સાબિત થઈ રહી છે. ગઈ કાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મોત થયાં છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4631, સુરતમાં 1553, રાજકોટમાં 764, મહેસાણામાં 485 અને વડોદરામાં 460 કેસો નોંધાયા હતા.