અમદાવાદઃ વડા પ્રધાન મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી, ૨૦૨૪માં યોજાઈ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગિતા પ્રેરિત કરવા મુખ્ય મંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઇલેવલ ડેલિગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્ય મંત્રીએ આ સંદર્ભે જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શોમાં કરી હતી.
મુખ્ય મંત્રીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ, પ્રો-એક્ટિવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમવાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતાં જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. વિકસિત ભારત@૨૦૪૭ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને જાપાનના ઉદ્યોગ રોકાણકારોની સહભાગિતા પણ તેમાં જોડાશે.
ભારત અને જાપાન બેઉ દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલિસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે G20ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા સામે ગ્રીનર સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે. વડા પ્રધાનની વિઝનરી લીડરશિપમાં લેવાયેલા ઇનિશિયેટિવ્ઝને કારણે ભારત આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે અને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.
તેમણે કહ્યું હતું કે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઊભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે.