રાજ્યના તમામ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારનો ભારે વરસાદને કારણે પ્રભાવિત પણ જોવા મળ્યા છે. જ્યારે કેટલાક જળાશયોમાં વરસાદના નવા નીરની આવક પણ નોંધાય છે. જ્યારે હજુ પણ કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે. કેન્દ્રીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની ચેતવણી આપી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેન્દ્રિય હવામાન વિભાગ મુજબ, આગામી 2,3 અને 5 જૂલાઇના રોજ ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે તા.2,3 અને 5 જૂલાઇ માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે 1લી જુલાઈના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર લગભગ 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં અને ખંભાળીયામાં 6.2 ઈંચ વરસાદ પડ્યો છે.
આવતીકાલે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા જીલ્લાઓમાં, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદની આગાહી છે.