અમદાવાદઃ શહેરના સીતાવન ફાર્મ, આંબલી બોપલ રોડ પર શનિવારની સવારે એક અનોખો પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પતંગોત્સવમાં ઓટિઝમ, સી.પી ચાઇલ્ડ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવાં અનેક અસાધ્ય દર્દ સાથે જીવતાં બાળકોએ ભાગ લીધો હતો..આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ સંસ્થાના સંચાલક સ્થાપક ભરત શાહ ચિત્રલેખા.કોમને કહે છે, આજના પતંગોત્સવમાં 100 જેટલાં બાળકો અને સાથે પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, રાજકોટ, મહેસાણા, ચાંગોદર અને અમદાવાદનાં બાળકોએ પતંગોત્સવ ,સંગીત અને ભોજનની મજા માણી હતી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આમાંથી મોટા ભાગનાં બાળકો માંસપેસીઓના રોગથી પીડિત છે, જે ખૂબ જ અસાધ્ય રોગ ગણવામાં આવે છે. મારા ખુદનાં બે બાળકો એક 26 અને બીજો 31 વર્ષની ઉંમરે માંસપેસીઓની બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. અમદાવાદના એક અગ્રણી રાજકારણી અને બિલ્ડરનો 16 વર્ષનો બાળક મૃત્યુ પામ્યો હતો. આજે આ સંસ્થાને તેઓ ખૂબ જ મદદરૂપ થવા પ્રયત્નો કરે છે.
ભરતભાઈ કહે છે, માંસપેશીઓના દર્દીઓ અને આ રોગની ઓળખ સારવાર ઝડપથી થાય એવા આ મિલન સમારંભના હેતુઓ છે. સરકારે પણ મસ્ક્યુલર ડિસ્ટોફીના પેશન્ટ પર તમામ બાબતોમાં કામ કરવાની જરૂર છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)