આજથી 21 નવા બસ સ્ટેશનો જનતાની સેવામાં, 52 કરોડના ખર્ચે નિર્માણ પામ્યાં

ભાવનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજથી ભાવનગરથી વધુ સુવિધાયુક્ત 21 બસ સ્ટેશનને પ્રજા માટે ખુલ્લાં મુકવામાં આવ્યા. આ લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ સાથે 32.09 કરોડનાં ખર્ચે બાંધવામાં આવનારા ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર બસ સ્ટેશન તથા ભૂજ-અમરેલી સ્ટાફ કોલોનીનું પણ ખાતમુહૂર્ત ઈ-તક્તી મારફતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રૂપિયા 52 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અદ્યતન સુવિધાયુક્ત 21 નવીન બસ સ્ટેશનોના લોકાર્પણ પણ આ સ્થળેથી જ કરવામાં આવ્યા.

એસ.ટી. દ્વારા પ્રજા-મુસાફરોની સરળતા માટે સ્ટેશનો અને બસ સુવિધાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મુખ્યપ્રધાને પ્રજાની સેવામાં મૂકાયેલી પ૦ વૉલ્વો બસ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જોડવા પણ તૈયારીઓ ચાલી રહી છે. ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ રૂ. ૧ર૦૦થી ૩૦૦૦ સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડવાનો નિર્ણય પણ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ સંચાલિત રાજ્ય પરિવહનની બસોનો ૨૫ લાખથી વધુ મુસાફરો રોજબરોજ લાભ લે છે. રાજયના તમામ એસ.ટી. ડેપોને તબક્કાવાર અપગ્રેડ કરીને મુસાફરો માટે આધુનિક સુવિધાવાળા બનાવ્યા છે અને રાજયના ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારને એસ.ટી. સુવિધાથી આવરી લેવામાં આવી છે.

આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાજ્યના વિવિધ ૨૧ બસ સ્ટેશનના લોકાર્પણ, ત્રણ બસ સ્ટેશન અને બે સ્ટાફ કોલોનીનાં ખાતમુહૂર્ત, નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી બસો તથા ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઈલ વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો.

ફાઈલ ચિત્ર

સૂરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જુનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર થયેલા કુલ ૨૧ નવીન બસ સ્ટેશનોના લોકાર્પણ આ સમારોહમાં કરવામાં આવ્યા હતા.