મુખ્યપ્રધાન સરહદ પર સુરક્ષા જવાનો સાથે મનાવશે દીવાળી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી બુધવાર, ૭મી નવેમ્બરે દિવાળીનું પર્વ સરહદના સંત્રીઓ વચ્ચે બનાસકાંઠાના નડાબેટમાં મનાવશે. વિજયભાઇ રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકેનું શાસનદાયિત્વ સંભાળ્યુ ત્યારથી દિપાવલીનો તહેવાર પોતાના ઘર પરિવારથી દૂર દેશની સરહદે રહીને માતૃભૂમિની રક્ષા કરતા સુરક્ષા જવાનો સાથે ઉજવવાનો રાષ્ટ્રપ્રેમસભર સંવેદનશીલ પારિવારીક ભાવભર્યો અભિગમ અપનાવ્યો છે.

 

આ અભિગમને આ વર્ષે પણ ચરિતાર્થ કરતાં તેઓ બોર્ડર સિકયુરિટી ફોર્સના નડાબેટ BOP ખાતે સુરક્ષામાં તૈનાત જવાનો સાથે દિપાવલી મનાવશે અને જવાનોનું મોં મીઠું કરાવી પરિવારજનનો અહેસાસ-હૂંફ આપશે. મુખ્યપ્રધાન આ સુરક્ષા જવાનો સાથે સંવાદ-વાર્તાલાપ પણ કરવાના છે. મુખ્યપ્રધાન રુપાણી દિવાળીના શુભ દિને સવારે ૧૦ કલાકે નડાબેટ પહોંચવાના છે.