સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્યના 61 હજાર શિક્ષકોને મળશે આ લાભ

ગાંધીનગર- રાજ્ય સરકારે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગાર પંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી છે. આ પગારની ચુકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર 1 જાન્યુઆરી, 2016થી  આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચુકવણીના કારણે રાજ્યની તિજોરી  ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનુ ભારણ પડવાનુ છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ૭ માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર ૦૧.૦૮.૨૦૧૭ થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચુકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે, ૦૧.૦૧.૨૦૧૬ થી તા.૩૧.૦૭.૨૦૧૭ સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.