ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં 3 બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિતક થયા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે આ ત્રણ બાળ દર્દીઓ માંથી એક દર્દીનું મોત થઈ ચૂક્યું છે. આ સાથે હવે મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. જ્યારે ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 38 થઈ છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.
ચાંદીપુરા વાયરસથી પંચમહાલ જિલ્લામાં લગભગ પાંચ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જ્યારે આ વાયરસના કારણે એક બાળદર્દીનું મોત નિપજ્યું છે. ત્યારે આ બાજુ સૌરાષ્ટ્રમાં આ વાયરસના ત્રણ નવા કેસ આજે નોંધાયા છે જેમાં 1 બાળ દર્દીનું મોત નિપજ્યું છે. આ અગાઉ પણ જામનગરમાં બે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે હાલ ચારેય બાળદર્દી ICU હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત વડોદરામાં પાછલા 20 દિવસમાં ચાંદીપુરાના 12 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી પાંચ બાળ દર્દીના મોત થયા છે, આ પાંચ પૈકી એક દર્દીનો ચાંદીપુરમનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચાર બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. હાલ કુલ 7 બાળકો સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી પાંચ બાળકો બી.આઇ.સી.યુ અને આઇ.સી.યુમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે બાળકોને વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC (ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે. હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળશે.