અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ઉકળાટ અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યમાં આગામી અઠવાડિયાથી કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ અઠવાડિયાના અંતથી આગામી અઠવાડિયાની શરૂઆત સુધી હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જુલાઈ વચ્ચે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાપીમાં વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ વરસાદ આવતા જ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
અમદાવાદ, આણંદ, વડોદરામાં 10થી 12 જુલાઈ દરમિયાન હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થયા બાદ વરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો ચિંતિત છે.
રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં અઠવાડિયાના અંતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા 11-12 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં રવિવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 12 જુલાઈએ રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામશે. 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે માત્ર 14 .64 ટકા વરસાદ વરસ્યો છે.