આગ અને પાણી બંનેનો અહીં છે જોરદાર ખતરો, તંત્ર જાગે તેવી આશ

મોડાસા– ખેડૂતોની આકરી મહેનતના પરિણામે ઉપજતો પાક વેડફાય, પછી ભલે તે કોઇપણ કરે, ચલાવી લેવું સમજદારીનું કામ નથી. જોકે આ વાત સરકારી તંત્ર વહેલાસર સમજે તો કંઇ નીપજે. વાત છે ટેકાના ભાવે ખરીદાઇ રહેલા ચણાની.

મોડાસામાં ચણાના ખરીદ કેન્દ્ર ઉપર હજારો કવિન્ટલ ચણાનો જથ્થો ખુલ્લામાં પડી રહ્યો છે, કારણ કે સાચવણી માટે ગોડાઉન નથી. દસેક દિવસમાં ચોમાસાની ધમાધમ એન્ટ્રીના વરતારા આવી રહ્યાં છે ત્યારે આમ ખુલ્લાંમાં પડી રહેલાં ચણા પલળી જઇ મોટું નુકસાન થવાની સંભાવના છે…. અહીં અરવલ્લી જિલ્લામાંથી 1300 જેટલા ખેડૂતોએ વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંના 700 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરી દીધું છે. જેમનો બહુમૂલ્ય પાક ભરેલી 3000 બોરી બહાર ખુલ્લામાં પડી છે.

લાખો રુપિયાનો પાક પાણીમાં પલળી જઇ નુકશાન થવાની સંભાવના છે તો સામે છેડે માર્કેટયાર્ડમાં ખરીદાયેલ માલ ટ્રાન્સપોર્ટેશનના અભાવે નિકાલ નથી થઇ શખ્યો. આ સ્થિતિમાં  હજુ 600 જેટલા ખેડૂત ચણા વેચવાની રાહ જોઈને બેઠાં છે.

મગફળીના ટેકાના ભાવની ખરીદી અને કરોડો રુપિયાનો પાત આગમાં સ્વાહા થયાં પછી પણ સંબંધિત વિભાગની બેકાળજી આ કિસ્સામાં વળી એક વધુ કૌભાંડ ન સર્જે તેવા પગલાં લેવા ખેડૂતઆલમની આશ છે.