જળસંચય ઝૂંબેશનું સમાપન કરતાં સીએમ રુપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યાં શબ્દબાણ

ધંધૂકા– સમગ્ર માસ દરમિયાન ચાલેલી સુજલાફ સુફલામ જળસંચય જળસંગ્રહ ઝૂંબેશનું મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સમાપન કરાવ્યું છે. જોકે તેમણે યોજનામાં બાકી રહેલા કામ ૮મી જૂન સુધીમાં પૂર્ણ કરાશે તેનો સધિયારો પણ આપ્યો હતો. આ અવસરે સીએમે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે પાણી વિકાસની પારાશીશી પણ છે અને આધાર પણ છે ત્યારે રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થશે. જળસ્તર ઉંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે.સીએમ રુપાણીએ આજે અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે સુજલામ્ સુફલામ્ જળસંચય કાર્યક્રમના સમાપન પ્રસંગે જન સંબોધનમાં જણાવ્યું હતું કે, લાખો ઘનફૂટ માટી ખોદીને ખેતરોમાં-પાળાઓ ઉપર નાંખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધવાનું છે.આ કામમાં સંસ્થાઓ-દાતાઓ જોડાયા છે તે સ્વયં એક સિદ્ધિ છે. રાજ્યમાં 5500 કિમી. કેનાલોની સફાઇ કરાઇ છે. અમદાવાદની ખારીકટ કેનાલ હવે સ્વચ્છતાનું પ્રતીક બની છે.

આ ઝૂંબેશ શરૂ થઇ ત્યારે ૪૫,૦૦૦ શ્રમયોગીઓ જોડાયા હતા, ગઈ કાલે ૨,૬૪,૦૦૦ શ્રમયોગીઓ શ્રમયજ્ઞ કરી રહ્યાં હતા. શરૂઆતમાં ૪૨૮ સ્વૈચ્છિક સંસ્થાઓ સામેલ હતી, જે અંત સુધીમાં ૨,૩૮૦ જોડાઈ હતી. જળ અભિયાન આદર્યું ત્યારે ૨,૧૨૬ જેટલા જેસીબી, હીટાચી, ડમ્પર-ટ્રેકટરોથી કામ ચાલુ કર્યું હતું, અને છેલ્લે તો ૧૮,૬૦૫ જેસીબી, હીટાચી અને ડમ્પર-ટ્રેકટરો માટી અને કાંપ ઉલેચવામાં લાગ્યા હતા. અભિયાનનું આયોજન એવું હતું કે, ૧૬,૬૧૬ જેટલા જળાશયો, તળાવો, ચેકડેમો, કેનાલો જળસ્ત્રોતોની સફાઈ કે ઉંડા કરવાના કામો હાથ પર લેવાના હતા. પરંતુ પ્રજાનો પ્રતિભાવ એવો પ્રોત્સાહક હતો કે, ૧૮,૨૨૦ કામો શરૂ થઈ ગયા હતાં.

કોંગ્રેસ પર વરસાવ્યાં શબ્દબાણ

વિરોધ કરનારાઓનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાય છે. ધડ માથા વિનાનાં નિવદેનો કરીને કોંગ્રેસ સ્વયં લોકનજરમાંથી ઉતરી ગઇ છે. જળસંચયમાં રૂા. ૨૦૦ કરોડના કામો સામે રૂા. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ કરે તે જ પુરવાર કરે છે કે તેમાં કોઇ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો આવે છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે સાચા અર્થમાં જનભાગીદારીને જોડીને જનહિતનું કામ કર્યું છે. બનાસકાંઠામાં મફત ઘાસ આપ્યું ત્યારે ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસે કર્યો પણ છેલ્લા ૩ વર્ષથી એક ઘાસનું તણખલું પણ સરકારે ખરીદ્યું નથી તો તેમાં ભ્રષ્ટાચારની વાત જ વાહિયાત છે. આ ચૂંટણીલક્ષી ઝૂંબેશ નથી પણ જનહિતની ઝૂંબેશ છે.

અમદાવાદમાં થયું 1.25 લાખ માનવદિન રોજગારીનું કામ

ધંધૂકાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, ‘દીકરીને બંદૂકે દેવી પણ ધંધૂકે ન દેવી’ એ કહેવતમાં બદલાવ લાવવાનું સામર્થ્ય સરકારે પુરવાર કર્યું છે. આજે ધંધૂકામાં દીકરી પરણાવી શકાય તેવું વાતાવરણ નિર્માણ કર્યું છે. જિલ્લામાં જળસંચય માટે રૂા. ૬ કરોડનું કામ થયું છે તે સંપૂર્ણપણે જનભાગીદારીથી કર્યું છે. આમા રાજ્ય સરકારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો એમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, લક્ષ્યાંક કરતાં વધુ જળસંચયના કામો જિલ્લામાં કરાયા છે. ૨૦ લાખ ઘન મીટર માટી ખોદાઇ છે અને ૧.૨૫ લાખ માનવદિન રોજગારીનું નિર્માણ કરાયું છે.

‘૧૦૮ નર્મદા જળ કળશ’ પૂજનવિધિ

મુખ્યપ્રધાને કાર્યક્રમના સ્થળે ઉભા કરાયેલા ‘ સુજલામ્ સુફલામ્ જળઅભિયાન’ પ્રદર્શનને ખુલ્લું મુકી નિહાળ્યું હતું. આ સાથે ‘૧૦૮ નર્મદા જળ કળશ’ પૂજનવિધિમાં મુખ્ય મંત્રીશ્રીએ સહભાગી થઇ પૂજનઅર્ચન કર્યા હતા.  આ પ્રસંગે ગામ તળાવ ઊંડા કરવાના કામગીરીમાં જોડાયેલા સરપંચોએ ટેકાના ભાવે ચણાની ખરીદીના નિર્ણયને આવકારતાં સીએમનું ચણાના હારથી સ્વાગત કર્યું હતું.