રાજકોટઃ 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહ જાડેજાનુ રાજતિલક આગામી ૩૦ જાન્યુઆરીએ થશે. આજથી જ આ તિલક વિધિ સમારોહની શરૂઆત થઇ છે. માંધાતાસિંહ જાડેજાએ પોતાના કુળદેવીના આશાપુરા માતાના દર્શન કર્યા હતા.
રાજકોટના પેલેસ રોડ ખાતે મા આશાપુરાનુ વર્ષો જુનુ મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે રાજકોટના સોળમાં ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા પોતાની રૂમની બારીમાંથી પોતાની કુળદેવીના ગર્ભગૃહના દર્શન કરી શકે તે પ્રકારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે મંદિરની પ્રદિક્ષણા પણ કરી હતી. ચાર દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4થી 6 વાગ્યે દેહ શુદ્ધિ, દસ વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત વગેરે કાર્યક્રમો યોજાશે.
રાજકોટના રાજવીનો રણજીત વિલાસ પેલેસનો અંદરનો નજારો અલગ જ જોવા મળી રહ્યો છે. 28 તારીખે 3 હજાર ક્ષત્રિય બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ નગરયાત્રા યોજાશે.
નગરયાત્રામાં 17 મા ઠાકોર માધાતાસિંહ જાડેજા, યુવરાજ જયદીપસિંહ જાડેજા અને દેશના રાજવીઓ જોડાશે. 30 મી એ રાજસૂય યજ્ઞ અને રાજતિલક વિધિ કરવામાં આવશે.
(જ્વલંત છાયા)