અમદાવાદઃ દેશના અનેક ભાગોમાં કોરોના વાઇરસનું બીજું મોજું ફેલાયું હોવાના અહેવાલો છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. જેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે. જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા છે એ રાજ્યોમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પોતાના નિષ્ણાતોની ટીમો મોકલશે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જાણી અગમચેતીનાં પગલાં અંગે સૂચનો કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુર માટે તહેનાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે તથા મૃત્યુદર પણ વધતો જાય છે. દિલ્હીની ‘એમ્સ’ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા હરિયાણા માટે રવાના થનારી ત્રણ સભ્યોની ટીમની આગેવાની કરશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ રાજસ્થાન, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ.કે. સિંહ ગુજરાત અને સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. એલ. સ્વાસ્તિચરણ મણિપુરની ટીમની આગેવાની કરશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્રની ટીમ એ જિલ્લાની મુલાકાત લેશે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. તે સાથે ટીમ કન્ટેઇન્મેન્ટ, દેખરેખ, તપાસ અને સંક્રમણને રોકવાને લઈને રાજ્ય સરકારને મદદ કરશે. આ ટીમ કોરોનાના કેસોને રોકવા ઉચ્ચ સારાવાર માટે પણ મદદ કરશે.
કોરોનાના વધતા કેસોને લઇ AMCનો એક્શન પ્લાન
અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 સુધી કરફ્યુ લાગુ કરી દેવાયો છે. કોરોનાના વધતા કેસોને લઇ AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે.
