આખા ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવાઃ રૂપાણી

ગાંધીનગરઃ અમદાવાદ અને રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં વિજય રૂપાણીની સરકારે અમદાવાદમાં આજથી અમલમાં આવે એ રીતે રાત્રિ કરફ્યુની જાહેરાત કરી છે. અમદાવાદમાં 60 કલાકના કરફ્યુની જાહેરાત એ પણ તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આખા રાજ્યમાં લોકડાઉન લાગુ થશે એવી પણ વાતો ફેલાઈ છે. ત્યારે આને માત્ર અફવા ગણાવીને રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આખા ગુજરાતમાં લોકકડાઉન લાગુ કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની જનતાએ આવી અફવાથી ભરમાવું ન જોઈએ.  

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ અને શનિ-રવિવારે દિવસ દરમિયાન દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે, બાકી તમામ દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત શનિ-રવિવારે સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

પોલીસ કડક કાર્યવાહી

અમદાવાદમાં કરફ્યુ લાદવાની જાહેરાત પછી સોશિયલ મિડિયાથી લઈને તમામ પ્લેટફોર્મ પર અફવા ફેલાઈ છે કે આખા રાજ્યમાં લોકડાઉન લાગુ થવાનું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં કરાય, પરંતુ માસ્ક ન પહેરનારા તથા ભીડ કરનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

હાઇ-પાવર કમિટીની બેઠક

રૂપાણીના સત્તાવાર નિવાસસ્થાને આજે સાંજે પાંચ વાગ્યે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક યોજાશે, જેમાં કોરોના સંક્રમણને લઈને અન્ય શહેરોમાંની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના અન્ય શહેરોમાં કરફ્યુ લાગુ કરવો કે નહીં તે વિશે નિર્ણય લેવાશે.

અમદાવાદમાં 900 બેડ વધારાશે

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં 41 દિવસ પછીનો સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો છે. જેથી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે 900 બેડ વધારવામાં આવશે, જ્યારે સરકારે 300 વધુ ડોક્ટરો અમદાવાદને ફાળવવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા પોલીસ કમિશનર અને રાજકોટના કલેક્ટરનું નિવેદન

અમદાવાદમાં કરફ્યુ બાદ રાજકોટ અને વડોદરામાં પણ કરફ્યુની વિચારણા ચાલી રહી છે. વડોદરાના પોલીસ કમિશનર અને રાજકોટના કલેક્ટરે આ વિશે નિવેદન આપ્યું છે કે એક-બે દિવસે પરિસ્થિતિ જોયા બાદ નાઇટ કરફ્યુ લગાવવા માટે નિર્ણય લેવામાં આવશે. જોકે રાજકોટમાં કરફ્યુ અંગે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે.