મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

ઝાલોદઃ આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ઝાલોદથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે રૂ. ૧૬૦૦ કરોડનાં ૫૬૯૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓનો સામાજિક અને આર્થિક વિકાસ માટે હંમેશાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાને તેજ ગતિથી અમે આગળ વધારી રહ્યા છીએ. છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં ૨૬ ગણો વધારો કર્યો છે. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે

આદિજાતિ વિભાગના વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવા સાથે બિરસા મુંડા યુનિવર્સિટીના લોગોનું અનાવરણ અને તેજસ્વી છાત્રોનું બહુમાન પણ તેમણે કર્યું હતું.

અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૪000 કરતાં વધુ ગામોના ૯૦ લાખ આદિવાસીઓને વિશેષ અધિકારો આ સરકારે આપ્યા છે. શહેરોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખાસ છાત્રાલયો, એકલવ્ય અને મોડેલ સ્કૂલ્સ, ગોધરામાં ગોવિંદ ગુરુ અને રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરી આદિવાસી છાત્રો માટે શિક્ષણના નવા આયામો આપવામાં આવ્યા છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશ-વિદેશના પ્રવાસીઓ માણે તે માટે કેવડિયા ખાતે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આદિવાસી જિલ્લાના ૧૧ લાખ એકર વિસ્તારને વિવિધ સિંચાઇ યોજનાનો લાભ આપી હરિયાળા બનાવવા સાથે આદિવાસી વિસ્તારના ૯૮ ટકા રેવન્યુ ગામોને પાકા રસ્તાથી જોડવામાં આવ્યા છે. રાજપીપળામાં રૂ. ૩૪૧ કરોડના ખર્ચથી બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમણે ઉમેર્યું હતું.

તેમણે લીમડી પટ્ટીનાં ૪૫ ગામોનાં ૬૬ તળાવો ભરવા માટેની પણ મૌખિક સંમતિ આપી છે. મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સાથે રાજ્યના વિવિધ આદિજાતી વિસ્તારોમાં ૨૬ સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રી મંડળના સભ્યો સહભાગી થયા હતા.