અમદાવાદઃ શહેરને ‘હેરિટેજ સિટી’ જાહેર કર્યા પછી અનેક કાર્યક્રમો અને જાહેરાતો થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ દ્વારા પણ સાંસ્કૃતિક ધરોહરની જાળવણી માટેનાં આયોજનો કરવામાં આવે છે. અમ્યુકો અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ 19થી 25 નવેમ્બર ‘વર્લ્ડ હેરિટેજ વીક’ની ઉજવણી કરી રહ્યું છે. આ આયોજન સફળ થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓટો રિક્ષામાં લાઉડ સ્પીકર દ્વારા હેરિટેજ મિલકતોની જાળવણી માટે પ્રચાર કરી રહ્યું છે.
શહેરમાં હેરિટેજ મિલકતોની જાળવણી કેવી રીતે કરવી એ દર્શાવતાં પેમ્ફલેટ શહેરના દરેક વિસ્તારમાં વહેંચવામાં આવી રહ્યા છે. લોકજાગૃતિ માટે શહેરના થાંભલાઓ પર ઝંડા લગાડવામાં આવ્યા છે.
શહેર અને પાટનગરમાં જુદાં-જુદાં સ્થળોએ હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યાં છે.
શહેરમાં હેરિટેજને લગતી વિવિધ કામગીરીમાં…
-હેરિટેજના જતન અને જાળવણી અંગે માહિતી -ખાનગી હેરિટેજ મિલકતોનું વિનામૂલ્યે ડોક્યુમેન્ટેશન -હેરિટેજ મકાન માલિકો માટે પ્લાન પાસિંગની સરળ પ્રક્રિયા -સઘળી ફીમાં માફી -એએમસી લાઇસન્સ ઇજનેરો અને હેરિટેજ નીતિ-નિયમોનું માર્ગદર્શન -હેરિટેજ વિસ્તારનો અલાયદો કન્ઝર્વેશન પ્લાન -હેરિટેજ કારીગરનું રજિસ્ટ્રેશન -લાખા પટેલની પોળ, સાંકડી શેરીમાં દર મહિને નવી થીમ આધારિત ક્રાફ્ટ કોર્નર એક્ઝિબિશન -અમદાવાદ કલાત્મક સોવિનિયર્સ કેટલોગમાં સોવિનિયર્સનું રજિસ્ટ્રેશન |
અમદાવાદના હેરિટેજ મિલકતના માલિકો દ્વારા આપવાના થતા ડોક્યુમેન્ટસની વિગતો અને હેરિટેજ ટ્રસ્ટની કામગીરી પેમ્ફલેટ અને વેબસાઇટ પર પણ મૂકવામાં આવી છે. અમદાવાદમાં અનેક ઐતિહાસિક સ્થળોની સાથે ખાનગી અને સરકારી મકાનો હેરિટેજની શ્રેણીમાં આવે છે. તંત્ર સાથે અનેક સંસ્થાઓ આ મિલકતોની જાળવણી માટે પ્રયાસ કરી રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)