PNB સાથે છેતરપિંડી બદલ CBIએ ઇટર્નલ મોટર્સ સામે FIR નોંધી

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI)એ ગુજરાત સ્થિત ઇટર્નલ મોટર્સ પ્રા. લિ.ના પ્રમોટર સુબોધ કુમાર જૈન, શાલિની સુબોધ જૈન, તેમના પુત્ર નમિત જૈન અને અન્યોની સામે પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 1518 લાખની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ કંપની પાસે મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રા. લિ.ની ડીલર હતી અને કંપની મારુતિની કારોનું વેચાણ કરતી હતી. જોકે મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રા. લિ.એ છઠ્ઠી માર્ચ, 2021એ કંપનીની ડીલરશિપ રદ કરી હતી. પંજાબ નેશનલ બેન્ક દ્વારા ફરિયાદ અનુસાર 1998માં સુબોધ અને શાલિનીએ કંપનીના ડિરેક્ટર તરીકે બેન્કનો સંપર્ક સાધ્યો હતો અને કંપનીએ મારુતિની ડીલરશિપ રૂપે કંપનીના વેપારના વિસ્તરણ માટે નાણાકીય સહાય માગી હતી, બેન્કે એ સંદર્ભે રૂ. 1650 લાખની ક્રેડિટ લિમિટની મંજૂરી કંપનીને આપી હતી.  

આ આરોપીઓએ PNB સિવાય પણ અન્ય બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી. ત્યાર બાદ કંપની લોનના હપતા અને વ્યાજ ચૂકવવામાં અનિયમિત થઈ હતી અને એ પછી પણ કંપની લોનની ચુકવણીને નિયમિત કરવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યાર બાદ કંપનીનું લોન એકાઉન્ટ 29 જૂન, 2021એ NPAમાં તબદિલ થયું હતું. આ FIRમાં કહેવામાં આવ્યું હતું કે બેન્કે કંપનીની લોન રિકવર કરવામાં કંપનીની મિલકતો વેચી હતી, તેમ છતાં કંપની પાસે હાલ રૂ. 1618 લાખની રકમ લેણી નીકળે છે.