ગાંધીનગરઃ રાજ્યમાં રસ્તે રખડતા ઢોરને લીધે અનેક નાગરિકોનાં અકસ્માત થયા છે અથવા તેમનાં મોત થયાં છે. જેને લીધે રસ્તે રઝળતા ઢોરોને કાબૂમાં કરવા હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને લાલ આંખ કાઢી હતી. જેથી સરકારે રખડતા ઢોરોના નિયંત્રણ માટે માર્ચમાં બિલ લાવી હતી, પણ એ બિલને સરકારે ચાલુ ચોમાસુ સત્રમાં પાછું ખેંચ્યું છે. આમ માલધારીઓની જીત થઈ છે.
હાઇકોર્ટની તાજેતરમાં ફટકાર પછી સરકારે રસ્તે રઝળતા ઢોરોને પકડવા ઝુંબેશ શરૂ કરી હતી અને સરકારે ચોમાસુ સત્રમાં ઢોરોના નિયત્રણને બિલ સંસદમાં મૂકવા ધાર્યું હશે, પણ ઢોર નિયંત્રણ કાયદાને લઈ રાજ્યના માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવતાં સરકારને એ બિલ પાછું ખેંચવું પડ્યું હતું.
ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માગ સાથે માલધારી સમાજે દૂધની એક દિવસની હડતાળ પાડી હતી. સરકાર દ્વારા ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલને રજૂ કરવામાં આવ્યું હતું. પણ હવે આ બિલ સર્વસંમતિથી પરત ખેંચવામાં આવતાં માલધારી સમાજમાં પણ ખુશીની લહેર હતી.
જ્યાં પણ પ્રજાને મુશ્કેલી પડતી હોય ત્યાં પ્રજાના હિતમાં નિર્ણય લેવો એ ભારતીય જનતા પાર્ટીનું ઉદાહરણ છે.
આ ઉદાહરણ સ્વરૂપે જ આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે ઢોર નિયંત્રણ કાયદો પાછો લેવામાં આવ્યો છે. pic.twitter.com/TjmsLrzwxm
— Jitu Vaghani (@jitu_vaghani) September 21, 2022
બીજી બાજુ આ બિલ સામે માલધારી સમાજની દૂધ-હડતાળને રાજ્યમાં ઠેર-ઠેર કામચલાઉ રીતે દૂધની અછત સર્જાઈ હતી. રાજ્યમાં રાજકોટ, સુરત સહિત ઘણાં શહેરોમાં દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે.
સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ બિલ મંજૂર થયા બાદ સરકારે માલધારી સમાજના આગેવાનો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી છે. તેમની સમસ્યા પણ સમજી છે. શહેરીજનોને તકલીફ ન પડે એટલા માટે તેમના માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઢોરવાડા બનાવીને ઢોરને મૂકી જવાના અને ચુકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.