અમદાવાદઃ રાજ્યમાંથી સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયેલી એક મહિલાનું સિડનીના દક્ષિણ-પશ્ચિમ બહારના વિસ્તારમાં કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, એમ પોલીસે આ માહિતી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રિયા રામજીભાઈ પટેલ 16 એપ્રિલે તેના મિત્રો સાથે સિડનીથી વોલોંગોંગ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કેબ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે વિલ્ટનના પિકટન રોડ પાસે પલટી ગઈ હતી.
કેમડેન પોલીસ એરિયા કમાન્ડના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે બીજી કારને ઓવરટેકનો પ્રયાસ કરતી વખતે એક કાર કથિત રીતે પલટી ગઈ હતી. જેથી કારમાં બેઠેલી રિયાને બચાવી શકાઈ નહોતી.
આ અકસ્માતમાં કારના ચાલકને લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્ય હતો. પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિયાના પિતરાઈ ભાઈ દ્વારા તેના મૃતદેહને પરત લાવવા માટે મદદ માગવામાં આવી છે. રિયાના પિતરાઈ ભાઈ શૈલેશે કહ્યું હતું કે અકસ્માતમાં ડ્રાઇવર અને અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે રિયાનું મોત થયું હતું. આ સમાચાર સાંભળીને ભારતમાં રિયાનાં માતા-પિતા આઘાતમાં છે. હાલમાં રિયાનો મૃતદેહ ભારતમાં તેના વતન મોકલવા માટે ગુજરાતી અને ભારતીય સમુદાય દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.