ગુજરાતમાં નકલીનો દોર યથાવાત જોવા મળી રહ્યો છે. ફરી એક નકલીનું સામરાજ્ય ઝડપાયું છે. પહેલા નકલી જજ, કોર્ટ, પોલીસ, ડૉક્ટરની ભરમાર વચ્ચે દ્વારકામાં બોગસ વિઝા-પાસપૉર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં બોગસ વિઝા-પાસપૉર્ટનું કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓ અલગ-અલગ શહેરમાં કામને અંજામ આપતાં હતા. જેમાં નામ અને અટકમાં સુધારા કરીને બનાવટી પાસપૉર્ટ તેયાર કરતા હતા. જ્યારે આરોપીઓ તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી કૌભાંડ આચરતા હતા. સમગ્ર મામલે SOGએ પોરબંદર, વલસાડ, દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત 9 શખસોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે આરોપીઓ સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરતા હતા અને ખોટા જન્મના પ્રામણપત્રો બનાવતા હતા. આ મામલે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને જાણ થતાં, ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા SOGએ કૌભાંડમાં સપડાયેલા તલાટી મંત્રી હાર્દિક રાવલીયાની ધરપકડ કરીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોરબંદરના એક શખસનો જન્મનો દાખલો કાઢી આપ્યો હોવાના ખુલાસો થયો હતો.
સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ યુકે જવા ઇચ્છતા લોકોની પસંદગી કરતા હતા. આ પછી યુકેમાં રહેતા પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતાં લોકોનો સંપર્ક કરાવીને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા અને તેમના ડૉક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પાસપૉર્ટની ઍપ્લિકેશન કરનારા લોકોના ફર્સ્ટ નેમમાં પોતાનું અને માતા-પિતાના નામમાં પૉર્ટુગીઝને વાલી દર્શાવામાં આવતા હતા. આમ આરોપીઓ જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવીને યુકે જવા ઇચ્છાતા લોકોના બોગસ વિઝા તૈયાર કરાતા હતા. વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે આરોપીઓ 21 વર્ષથી ઓછી ઉંમરના છે તેમ દાખલામાં દર્શાવાતું હતું. આ પછી આધારકાર્ડમાં નામ, સરનામું સહિતના સુધારા વધારા કરીને વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે કામને પાર પાડીને બનાવટી પાસપૉર્ટ તૈયાર કરવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પોરબંદર, સુરત, વલસાડ, દમણ ખાતેથી આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.