હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોચ્યો છે. હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી કરાઇ છે. કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી છે. જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલય મંગાવાઈ હતી. પ્રદેશ ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેકટરી નાંખવાની જાહેરાત કરી હતી, ત્યારે હરિયાણાના પરિણામો બાદ સી.આર પાટીલે ઉજવણી કરી છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી છે.
હરિયાણા જીતને લઈ કેન્દ્રીય મંત્રી સી.આપ.પાટીલે નિવેદન આપતા કહ્યું કે, આજે ફરીથી એક વખત જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપમાં અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ છે. હરિયાણાના મતદારોએ તે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે, અને સતત ત્રીજી વખત હરિયાણામાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ ડબલ એન્જિન સરકારનો મજાક ઉડાવતા હતા, પરંતુ હરિયાણાના લોકોએ ત્રીજી વખત ભાજપને સત્તા સોંપી છે. વધુમાં સી.આર.પાટીલે હરિયાણાની જીત પર કહ્યું કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે. બંધારણમાં વિશ્વાસ મૂકીને વડાપ્રધાન મોદીએ સરકાર બનાવી અને ચલાવી રહ્યા છે, તેની જીત છે. કોંગ્રેસના જૂઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો છે.
ભાજપ હેડ ક્વાર્ટર ખાતે તમામ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ જલેબી બનાવી હતી અને તમામ લોકોએ એકબીજાને જલેબી ખવડાવીને જીતની ઉજવણી કરી હતી તો સુરતમાં પણ હરિયાણામાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવામાં આવી છે. ભાજપની જીત પર કાપડના વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અને કાપડ વેપારીઓએ ભાજપ જીત તરફ વળતા સેલિબ્રેશન કર્યું છે. કાપડના વેપારીઓએ પણ મીઠાઈ અને જલેબી ખવડાવી ભાજપની જીતની ઉજવણી કરી છે.