ભાજપનો ચૂંટણીજંગ કોંગ્રેસ સાથે જ છેઃ પ્રદેશાધ્યક્ષ

અમદાવાદઃરાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 38 લોકોને ફેરબદલ કરવામાં આવ્યા છે અને બીજી યાદી પણ તૈયાર છે અને એ ટૂંક સમયમાં બહાર પડાશે. અમે આ વખતે મોટા ભાગના લોકો સાથે સર્વસંમતિ થાય એવા પ્રયાસ કર્યા છે. અમે આ વખતે નવા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.તેમણે ચૂંટણી વિશે વાત કરતાં કહ્યું હતું કે અમરો ચૂંટણીજંગ કોંગ્રેસ સાથે છે. આમ આદમી પાર્ટી ભલે અહીં હવાતિયાં મારે પણ એ સફળ નહીં થાય. રાજ્યમાં આપનું કોઈ અસ્તિત્વ જ નથી.

બીજી બાજુ, હાર્દિકને પાર્ટીએ વિરમગામ બેઠક પરથી ટિકિટ આપી છે. હાર્દિકે આ વખતે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપ માધવસિંહનો રેકોર્ડ તોડશે. ભાજપ વિકાસને નામે ચૂંટણી લડે છે, જ્યારે આપ અને કોંગ્રેસ એકમેકથી લડે છે. તેમણે કહ્યું હતું કે આપ પાર્ટીમાં કોઈ રાજકીય વિચારધારા નથી. જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે લક્ષ્મીજીને નોટો પર લાવવાની વાત કરે છે. જ્યારે કોંગ્રેસ મોસમ જોઈને હિન્દુત્વ વિશે રાજકારણ રમે છે.

પાટીદાર આંદોલન સમિતિના ત્રણ નેતા- જિગ્નેશ મેવાણીને છોડીને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં છે. હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી-2017 પહેલાં ભાજપને ફીણ લાવી દીધા હતાં, કેમ કે પરિણામો આવ્યાં, ત્યારે ભાજપ સૌથી ઓછા સ્કોર 99એ અટકી ગયો હતો. જોકે અંતે સ્પષ્ટ બહુમતી મળતાં રાહતનો શ્વાસ લીધો હતો.