અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપે ભારે જીત મેળવી છે. ભાજપ 576 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ માત્ર 50 બેઠક જ જીતી શકી છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે.રાજકોટ, ભાવનગર, સુરત અને અમદાવાદના કોંગ્રેસના શહેર પ્રમુખોએ હારની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દીધું છે.
રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપે 72માંથી 68 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે ચાર બેઠક મેળવી છે. રાજકોટમાં આ ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ભાજપને 2015માં 72માંથી 38 અને કોંગ્રેસને ફાળે 34 બેઠક મળી હતી.
સુરતમાં પણ પાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશન કોંગ્રેસમુક્ત બન્યું છે. ભાજપના 93 અને આપના 27 ઉમેદવારો જીત્યા છે. શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું આપ્યું છે. વડોદરામાં સતત ચોથી વખત ભાજપે સત્તા જાળવી છે. 76 સીટમાંથી 69 પર ભાજપ વિજયી નીવડ્યો છે, જ્યારે કોંગ્રેસે સાત બેઠક મેળવી છે. અહીં છ ટર્મથી જીતતા ચિરાગ ઝવેરીની હાર થઈ છે. રાજ્યના ઉપ-મુખ્ય પ્રધાન નીતિન પટેલે ભાજપની જીત બદલ કાર્યકરો અને મતદાતાઓનો આભાર માન્યો હતો.
સ્થાનિક સ્વરાજની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તે બદલ વિજયી થનાર સર્વ ઉમેદવારશ્રીઓ, ભાજપના સર્વ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને ગુજરાતના સર્વ મતદાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન…#ગુજરાતમક્કમભાજપ_અડીખમ . @BJP4Gujarat .@CRPaatil
— Nitin Patel (@Nitinbhai_Patel) February 23, 2021
ભાવનગર મહાપાલિકામાં ભાજપે શાનદાર જીતી લીધી છે. ભાવનગરના 13 વોર્ડની પર બેઠક પર કુલ 52 બેઠકોમાંથી 44 બેઠક પર વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને આઠ બેઠક મળી છે. આ ચૂંટણીમાં જેમાં 211 ઉમેદવાર મેદાનમાં હતાં. આ ચૂંટણીમાં કુલ 49.46 ટકા મતદાન થયું હતું, જેમાં છ વોર્ડમાં 50 ટકાથી વધુ મતદાન થયું છે, જ્યારે સાત વોર્ડમાં 50 ટકાથી ઓછું અને 40 ટકાથી વધુ મતદાન થયું છે.