‘વિશ્વ-ખસીકરણ-દિવસ’: કૂતરાઓ માટે વડોદરામાં યોજાઈ ખસીકરણ ઝૂંબેશ

વડોદરાઃ આજે ‘વિશ્વ ખસીકરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે હ્યુમેન સોસાયટી/ઇન્ડિયા દ્વારા વડોદરાના વાઘોડિયા રોડ પર સ્થિત સંસ્થાના પ્રાણીજન્મ નિયંત્રણ સેન્ટર પર ખસીકરણ અને રસીકરણનો એક નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ મુખ્યત્વે પોતાના વિસ્તારના શેરી કૂતરાની સંભાળ લેતાં તથા પ્રાણી જન્મ નિયંત્રણને પ્રોત્સાહિત કરતાં સમુદાયના કાર્યરત સભ્યોને ધ્યાનમાં લઈને યોજવામાં આવ્યો હતો. કારણ કે,  પ્રાણી જન્મ નિયંત્રણ એ કૂતરાની વધતી વસ્તીના અટકાવ માટે એક અસરકારક ઉપાય છે. આ કેમ્પમાં લગભગ 20 કૂતરાઓનું ખસીકરણ તથા 20 કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યું.

આ કેમ્પમાં એચ.એસ.આઈ./ઇન્ડિયા દ્વારા આધુનિક માનવીય સાધનો તથા પદ્ધતિઓથી તાલીમ પામેલા અત્યંત અનુભવી પશુચિકિત્સકો તથા  પશુ કલ્યાણ અધિકારીઓની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વિશ્વ ખસીકરણ દિવસે સંસ્થા દ્વારા લખનઉ તથા દહેરાદૂનમાં પણ આવા જ  પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કંપેનિયન એનિમલ્સ એન્ડ એન્ગેજમેન્ટ ફોર એચ.એસ.આઈ./ઇન્ડિયાના ડાયરેક્ટર કેરન નેઝરેથે કહ્યું કે, “વડોદરા, દહેરાદૂન અને લખનઉમાં એવા ઘણા દયાળુ અને માયાળુ લોકો છે જે તેમની શેરીમાં રહેતાં  કૂતરાંઓની ખૂબ જ કાળજી રાખે છે. વળી, પોતાના વિસ્તારમાં કૂતરાંની વસ્તીને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે સમુદાયનાં  કૂતરાંઓનું ખસીકરણ તથા રસીકરણ કરવા વિશ્વ ખસીકરણ દિવસ કરતા વધુ સારો દિવસ કયો હોઈ શકે. કૂતરાંની વસ્તી વ્યવસ્થાપક મંડળ માનવી અને કૂતરાં વચ્ચેના સંઘર્ષના બનાવોને ઘટાડવામાં પણ મદદરૂપ થશે. અમે વડોદરાના લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ આગળ આવી વધુમાં વધુ શેરી કૂતરાઓને વર્ષ દરમિયાન ખસીકરણ તથા રસીકરણ માટે લઈને આવે.”

વડોદરાના રહેવાસી અને એચ.એસ.આઈ./ઇન્ડિયાના સ્વયંસેવક ઝીનલ શાહના જણાવ્યા મુજબ, “શહેરમાં શેરી કૂતરાંઓની વસ્તીમાં બહોળો વધારો જોવા મળી રહ્યો છે. અને તેમની તકલીફને દૂર કરવા માટે ખસીકરણ ખૂબ જ જરૂરી છે. વડોદરા શહેર પ્રાણીઓ અને અમારા માટે એક સારું રહેવાનું સ્થળ બની રહે તે માટે એચ.એસ.આઈ./ઇન્ડિયા દ્વારા નિષ્ણાંતોની જે સગવડ પૂરી પાડવામાં આવી છે તેનો વધુમાં વધુ રહેવાસીઓ લાભ ઉઠાવશે એવી મને આશા છે.”

ઉત્તરાખંડના દહેરાદૂન તથા નૈનિતાલ, ગુજરાતના વડોદરા અને ઉત્તરપ્રદેશના લખનઉ શહેરમાં સમૂહ ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ પ્રોજેક્ટ નું અમલીકરણ એચ.એસ.આઈ./ઇન્ડિયા દ્વારા થઇ રહ્યું છે. ભારતમાં તેમનું કામ 2013થી શરૂ થયેલ હોવા છતાં દેશભરના ઘણા શહેરોમાં લગભગ 1,50,000 કૂતરાઓનું ખસીકરણ તથા રસીકરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]