સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પ્રચાર કરશે ભાજપ, 14 રાજ્યમાં સીએમ-નાયબ સીએમ સહિત જશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રસિદ્ધિ માટે તથા નવેમ્બર મહિના દરમિયાન મુલાકાત માટે ભાજર શાસિત અને ભાજપ સમર્થિત રાજ્ય સરકારોને વિધિવત નોતરું આપવાનો નિર્ણય કર્યો છે. કુલ 14 જેટલા જૂથો બનાવાયા છે જે સોંપેલા રાજ્યની મુલાકાત લેશે.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીની આગેવાની હેઠળનું જૂથ ઉત્તર પ્રદેશ જશે જ્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું જૂથ મહારાષ્ટ્ર જશે. દરેક જૂથના પ્રવાસ, ખર્ચ અને રહેવાની વ્યવસ્થા માટે રુપિયા 8 લાખ લેખે સવા કરોડ ફાળવવામાં આવ્યા છે. જો કે આ ખર્ચ બે-અઢી કરોડ રુપિયા સુધી પહોંચે તેવો અંદાજ છે.

દરેક જૂથને જે તે રાજ્યમાં જઈને ત્યાના મુખ્યપ્રધાન તથા ગવર્નર સાથે બેઠક કરી તેમના રાજ્યનું પ્રતિનિધિમંડળ નવેમ્બર મહિનામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેમ જણાવાયું છે. દરેક જૂથને જે તે રાજ્યમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાની તેમજ સ્થાનિક ગુજરાતી સમાજ સાથે બેઠક યોજવાની પણ સૂચના આપવામાં આવી છે. દરેક જૂથને 5 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન પ્રવાસ ખેડવાની સૂચના આપવામાં આવી છે.