અમદાવાદઃ ગુજરાતની છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અમદાવાદના ભાજપના કાર્યાલય ખાતે વિજતોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વિજયોત્સવમાં સીએમ વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજરી આપે એવી શક્યતા છે.
આ વિજયને જોતાં 2022માં વિધાનસભાની ચૂંટણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પાર્ટી પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં યોજાય તેવી સંભાવના પ્રબળ બની છે. ભાજપનું હાઇકમાન્ડ પણ આ ચૂંટણી પરિણામોથી ખુશ છે. રાજ્યના શહેરી મતદારોએ ભાજપને મત આપ્યા છે એ દર્શાવે છે કે ગુજરાતના શહેરીજનો હજી પણ કોંગ્રેસને જાકારો આપી રહ્યા છે. રાજ્યમાં 2002 પછી આવેલી તમામ નાની-મોટી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પછડાટ મળી છે. રાજ્યના રાજકારણમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઊભરી રહી છે. કોંગ્રેસની જો આવી જ કારમી હાર રહી તો 2022ની ચૂંટણીમાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે નહીં, પરંતુ આમ આદમી પાર્ટી સાથે થશે.
શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ વધુને વધુ કમજોર બનતી જાય છે. આ ચૂંટણીના પરિણામોની અસર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થવાની પૂરેપૂરી સંભાવના છે. કોંગ્રેસ સળગતા મુદ્દાઓને જનતા સુધી લઈ જઈ શકી નથી. છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવતાં ઉમેદવારોને ચૂંટણી પ્રચાર તો ઠીક કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો સમય મળ્યો નથી, પરિણામે ઘણી બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગયું છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયા પછી મહાનગરોની આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટી નામોશી મળી છે. તમામ છ મહાનગરોમાં ભાજપે ફરીથી સત્તા હાંસલ કરી છે. સ્થાનિક ચૂંટણીમાં હાર પછી વિપક્ષના નેતા અને પ્રદેશપ્રમુખ તેમના હોદ્દાને ટકાવી રાખવામાં સફળ થશે કે તેમ જ મોટું પ્રશ્નચિહન છે. સામે પક્ષે કોંગ્રેસે નવસર્જન કરવું પડશે.
