છ-મનપામાં ભાજપનો ભગવો લહેરાયોઃ કોંગ્રેસનાં સૂપડાં સાફ

અમદાવાદઃ રાજ્યની છ મહાનગરપાલિકામાં ભાજપે ફરીથી ભગવો લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં પ્રમાણમાં ઓછું મતદાન હોવા છતાં મતદારોએ ભાજપ ઉપર પસંદગી ઉતારી છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર અને રાજકોટમાં ભાજપ ફરી એક વાર સત્તા હાંસલ કરશે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ તમામ મતદારોનો આભાર માન્યો હતો. તેમણે આ જીત બદલ ટ્વીટ કરી હતી.

અમદાવાદમાં ભાજપની 13 પેનલ જીતી છે. મોટા ભાગના વિસ્તારોમાં ભાજપની પેનલ જીતી છે, જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. જોકે આ ચૂંટણીમાં કેજરીવાલની આપ અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ પ્રવેશ નથી થવા દીધો.

સુરતમાં પણ ભાજપ 51 સીટો પર આગળ છે. જોકે અહીં આપે પણ કોંગ્રેસને પાછળ રાખતાં 20 બેઠક પર આગળ છે. સુરતમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું. રાજકોટમાં 72માંથી 56 બેઠકો ભાજપે મેળવી છે. રાજકોટમાં 14 વોર્ડમાં કોંગ્રેસ તથા આપનું ખાતું પણ નથી ખૂલ્યું. તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. કોંગ્રેસનાં સૂપડાં સાફ થયાં છે. ભાવનગરમાં ભાજપે 52 સીટોમાંથી 36માં વિજય મેળવ્યો છે. ભાવનગરમાં કોંગ્રેસે હાઉસ ટેક્સમાં 50 ટકા માફી અને મફત પાર્કિંગના વચનો પણ તારી શક્યાં નથી.

વડોદરામાં ભાજપે સતત ચોથી વાર જીત મેળવી છે. 49 બેઠકો પર જીત સાથે ભાજપ આગળ છે. અહીં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. જોકે કોંગ્રેસ સાત બેઠક પર આગળ છે. જોકે ભાજપે વડોદરા પાલિકામાં બહુમત મેળવી સત્તા કબજે કરી છે. જામનગરમાં પણ ભાજપે કોંગ્રેસનાં કાંગરા ખેરવ્યાં છે.

ભાજપ સંગઠનનો ઉપયોગ કરીને સરકારની કામગીરીને મતદારો સુધી પહોચાડીને મતમાં પરિવર્તન કરવામાં સફળ રહ્યો  તો બીજી બાજુ કોંગ્રેસ સરકારની નિષ્ફળતા અને પ્રજા સમસ્યાને લોકવાચા આપવામાં ઊણી ઊતરી.

મતગણતરીમાં ટ્રેન્ડ જોઈએ તોઃ

અમદાવાદની 192માંથી ભાજપ 101, કોંગ્રેસ 21 બેઠક પર આગળ

સુરતની 120માંથી ભાજપ 59, કોંગ્રેસ 4 બેઠક પર આગળ

 વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 51 અને કોંગ્રેસ 07 બેઠક પર આગળ

 રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપ 56 અને કોંગ્રેસ 05 બેઠક પર આગળ

ભાવનગરની 52 બેઠકોમાંથી ભાજપ 36, કોંગ્રેસ 08 બેઠક પર આગળ

જામનગરની 64 બેઠકોમાંથી ભાજપ 36, કોંગ્રેસ 05 બેઠક પર આગળ

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]