ભાજપ ચૂંટણીમાં અસામાજિક તત્ત્વોની મદદ લે છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગરમાટો આવતો જાય છે. રાજકીય પક્ષો એકમેક પર આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. કોંગ્રેસે હજી ત્રણ દિવસ પહેલાં જ ભાજપ સામે 21 મુદ્દાની 36 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ  ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપની નીતિ ગુમરાહ કરવાની, લોકોને મુખ્ય મુદ્દાથી ભટકાવવાની છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય,  વગેરેથી વંચિત રાખવાની છે. હવે કોંગ્રેસે ફરી ભાજપ પર મોટો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપે અમદાવાદના હોદ્દેદારો પાસે રાજ્યના અને શહેરના બુટલેગરોની યાદી મગાવી છે.

ભાજપે હાલમાં તેના કાર્યકરો માટે ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી મુદ્દાઓ બહાર પાડ્યા હતા, જેમાં તેણે 18 મુદ્દાઓને આવરી લીધા હતા.

કોંગ્રેસે આ મુદ્દાઓમાંથી 13માં મુદ્દામાં ભાજપની ત્રુટિને શોધી કાઢી છે અને ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ આક્ષેપ કર્યો હતો કે ભાજપે પક્ષના સમર્થક ના હોય એવા બુટલેગરોની યાદી કાર્યકરો અને હોદ્દેદારો પાસે મગાવી છે.  કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપનો કથિત પત્ર પણ જાહેર કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ ચૂંટણીમાં અસમાજિક તત્ત્વોની મદદ લઈ રહ્યો છે.

કોંગ્રેસે હવે ચૂંટણીમાં જોરશોરથી ઝુકાવ્યું છે. કોંગ્રેસ હવે વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ યાત્રો યોજી રહી છે. કોંગ્રેસે હવે વિધાનસભાની બેઠકોને આવરી લેતી પરિવર્તન સંકલ્પ યાત્રા પણ કાઢી રહી છે.