અમદાવાદઃ ભાજપે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની સાથે લોકસભાની 2024ની ચૂંટણીની પણ તૈયારી કરી દીધી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 15 રાજ્યોના પ્રભારી અને કેટલાક સહપ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી છે. ભાજપપ્રમુખ દ્વારા 23 પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢ રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે સહ-પ્રભારી તરીકે નરેન્દ્ર સિંહ રૈનાને જવાબદારી સોંપવામાં આવી છે.
જોકે ભાજપે રૂપાણીને કદ વધારીને વેતરી કાઢ્યા હોવાનું લાગે છે, કેમ કે ચૂંટણી ટાણે જ ભાજપે તેમને રાજ્યની બહાર મોકલી દીધા છે.રાજ્યની બહાર મોકલીને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રૂપાણીને વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજ્યમાંથી એક્ઝિટ આપતાં પક્ષમાં કાર્યકરોને અને રાજ્યની જનતાને સાનંદાશ્ચર્ય થયું છે. હજી ગયા મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય એ માટે કોર કમિટીમાં વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
पंजाब और चंडीगढ़ के प्रभारी के रूप में दायित्व सौंपने के लिए मान.प्रधानमंत्री श्री @narendramodi जी, मान.राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda, मान.केंद्रीय गृह एवं सहकारिता मंत्रीश्री @AmitShah जी ,मान. राष्ट्रीय संगठन महामंत्रीश्री बी.एल.संतोषजी का हृदयपूर्वक आभार व्यक्त करता हूं ।
— Vijay Rupani (@vijayrupanibjp) September 9, 2022
તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ રાજ્યની બહાર જવાબદારી સોંપવામાં આવતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ વર્ષે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને સત્તા મેળવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે પંજાબમાં 2027માં ચૂંટણી યોજાશે એ પહેલાં ભાજપે અત્યારથી જ ત્યાં સંગઠનાત્મક સુધારાઓ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. હવે પંજાબની સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીને શિરે રહેશે.